પરવત ગામ ગોકુલનગરમાં એક વર્ષ પહેલાં બનેલા ૨૦ વર્ષીય રત્નકલાકાર અમરકાંત જેશવાલના આપઘાત કેસમાં આખરે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. સુસાઈડ નોટના હેન્ડરાઈટિંગ એક્સપર્ટ રિપોર્ટ મળ્યા બાદ લીંબાયત પોલીસે પાડોશી ભાભી અને તેની બહેનપણી સામે પગલાં લીધા છે.મૂળ વતન ઉત્તરપ્રદેશના બનારસના રહેવાસી અને હાલ સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જેશવાલનો પુત્ર અમરકાંત (ઉ.વ. ૨૦) એ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના બાદ તેના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી, જેમાં પાડોશની ભાભી નીલમ ઉમેશ યાદવ અને તેની બહેનપણી શીતલ રામશંકર ગુપ્તાને પોતાની આત્મહત્યાનું કારણ ગણાવ્યું હતું. અમરકાંતે બે પાનાની નોટમાં હિન્દી અને અંગ્રેજીમાં લખ્યું હતું કે, નીલમે તેના પતિને ધોખો આપ્યો હતો અને શીતલને પણ ખોટા રસ્તે દોરી હતી. શીતલ સાથે પ્રેમસંબંધનો નાટક કરીને તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જેમાં નીલમે ૭૦ હજાર અને શીતલે ૫૦ હજાર પડાવ્યા હતા એમ કુલ ૧.૨૦ લાખ રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ હતો.સુસાઈડ નોટમાં વધુમાં જણાવાયું હતું કે શીતલના લગ્ન થયા હોવા છતાં તે તેના સંપર્કમાં રહેતી હતી અને અન્ય સંબંધો પણ ધરાવતી હતી. જ્યારે અમરકાંતે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેને ધમકીઓ અપાઈ હતી. અમરકાંતે પોતાના અંતિમ પત્રમાં નીલમના પ્રેમી રાજા પાંડેનો પણ ઉલ્લેખ કરી, પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની વાત કરી હતી. તેમજ મોબાઈલમાં કોલ રેકોર્ડીંગ સહિતના પુરાવા હોવાનું પણ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સુસાઈડ નોટને એફએસએલ મોકલવામાં આવી હતી. એક વર્ષ બાદ હેન્ડરાઈટિંગ રિપોર્ટ મળતા જ પોલીસે કાર્યવાહી તેજ કરી. જેમાં લીંબાયત પોલીસે નીલમ યાદવ અને તેની બહેનપણી શીતલ ગુપ્તા સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો. નીલમને સુરતના ગોકુલનગરથી અને ગર્ભવતી શીતલને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લેવાઈ છે. હાલમાં બંનેની વધુ પૂછપરછ ચાલી રહી છે.








































