રાજ્યના પાટનગરમાં આજે વહેલી સવારથી જ આંદોલનનો ગરમાવો જાવા મળ્યો છે. ગાંધીનગરના ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા અને આદીવાડા સહિતના ૭ ગામોના ખેડૂતો અને ગ્રામજનો પોતાની વર્ષો જૂની માંગણીઓ સાથે વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થયા હતા. જાકે, પૂર્વ મંજૂરી વિના અને પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન કરવા બદલ પોલીસે ૧૦થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે.
આંદોલનકારી ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા ૬૩ વર્ષથી તેઓ રહેણાંકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર વિચારણા કરવામાં આવી નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેમણે અનેકવાર સરકારમાં રજૂઆતો કરી છે, પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી, જેના કારણે આજે તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે.ગામની નજીક આવેલી જમીનોમાં ગ્રામજનોએ જે મકાનો બનાવ્યા છે, તેને સરકાર દ્વારા કાયદેસર કરી આપવામાં આવે. ગામોમાં જ સરકાર દ્વારા ગ્રામજનોને રાહત દરે પ્લોટ અથવા આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે. દાયકાઓથી ચાલી આવતા રહેણાંકના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
વિસ્ટા ગાર્ડન એ ગાંધીનગરનો અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તાર ગણાય છે. અહીં પૂર્વ મંજૂરી લીધા વિના આંદોલન શરૂ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ૧૦થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. ખેડૂતોની અટકાયત થતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું અને અન્ય ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
હાલમાં ગાંધીનગરના આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું લડત ચાલુ રાખશે..









































