પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યા પછી, તેના ઉત્તમ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, ભારતના સંરક્ષણ સાધનોની માંગ સમગ્ર વિશ્વમાં વધી છે. ઘાના પણ ભારતીય શસ્ત્રોનો ચાહક બન્યો છે. ઘાનાએ ભારત પાસેથી સંરક્ષણ સાધનો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ આત્મનિર્ભર સેના અને સંરક્ષણ વિભાગ માટે ગર્વની વાત છે. આજે ભારત વિશ્વના ૭૫ થી વધુ દેશોને સંરક્ષણ સાધનો સપ્લાય કરતો દેશ બની ગયો છે.
ભારતના વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધો વિભાગના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું હતું કે સંરક્ષણ સહયોગ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જાન મહામા વચ્ચે વિગતવાર વાટાઘાટો થઈ હતી. આ દરમિયાન, ઘાનાએ ભારત તરફથી સંરક્ષણ સાધનો, તાલીમ અને સંરક્ષણ પ્રણાલીઓના પુરવઠામાં “સ્પષ્ટ રસ” દર્શાવ્યો હતો. એક પત્રકાર પરિષદમાં રવિએ કહ્યું, “ત્રીજા મુખ્ય ક્ષેત્ર સંરક્ષણ સહયોગ છે. ઘાનાને ખાસ કરીને ઉત્તરીય ક્ષેત્ર, સાહેલ ક્ષેત્રમાંથી ઉભરતા આતંકવાદ અને ચાંચિયાગીરી અંગે સુરક્ષા ચિંતાઓ છે. તેથી, ઘાનાએ ભારત પાસેથી સાધનોના પુરવઠા, સુરક્ષા કર્મચારીઓની તાલીમ અને સંરક્ષણ પ્રણાલીઓમાં સ્પષ્ટ રસ દર્શાવ્યો છે. ભારત હવે સંરક્ષણ નિકાસમાં અગ્રણી દેશ બની ગયું છે.”
રવિએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ મહામાએ ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે ભારત સાથે એકતા વ્યક્ત કરી છે. આ હુમલામાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી મારી હતી. આ દરમિયાન, ભારત અને ઘાનાના નેતાઓએ “આતંકવાદ વિશ્વને કેવી રીતે અસર કરી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ મહામાએ આતંક સામેના આ યુદ્ધમાં ભારત સાથે સ્પષ્ટ સમર્થન અને એકતા વ્યક્ત કરી. તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી.”
ભારતના સંરક્ષણ સાધનોમાં ઊંડો રસ દર્શાવ્યા પછી, ઘાનાએ ૪ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. વિદેશ મંત્રાલયના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન, ભારત અને ઘાના વચ્ચે ચાર સમજૂતી કરાર (ર્સ્ેં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ સંસ્કૃતિ, આરોગ્ય, માનકીકરણ અને સંસ્થાકીય સંવાદ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.