મધ્ય પૂર્વ કટોકટીને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા અવરોધની અસર પાકિસ્તાનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, અને લક્ઝરી વાહનોમાં વપરાતા હાઇ-ઓક્ટેન ઇંધણના ભાવમાં ૨૦૦%નો વધારો થયો છે.
ન્યૂઝ અનુસાર, પાકિસ્તાને રવિવારે હાઇ-ઓક્ટેન ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ૨૦૦ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ઇંધણના ભાવ ૧૦૦ પાકિસ્તાની રૂપિયાથી વધીને ૩૦૦ પાકિસ્તાની રૂપિયા થશે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ વધારાને મંજૂરી આપી હતી, અને શરીફની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અગાઉ, ૬ માર્ચે, વૈશ્વિક તેલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૫૫ પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પેટ્રોલનો નવો ભાવ ૨૬૬.૧૭ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરથી વધીને ૩૨૧.૧૭ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થયો હતો, અને ડીઝલનો ભાવ ૨૮૦.૮૬ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરથી વધીને ૩૩૫.૮૬ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થયો હતો. જાકે,ન્યૂઝ અનુસાર, હાઇ-ઓક્ટેન ઇંધણના ભાવમાં વધારાથી જાહેર પરિવહન ભાડા કે હવાઈ મુસાફરી ખર્ચ પર કોઈ અસર થશે નહીં.
આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રી આઝમ નઝીર તરાર, નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબ, માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરાર અને પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિક સહિત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.
૧૦ માર્ચે, જેટ ઇંધણના ભાવમાં વધારા બાદ પાકિસ્તાની એરલાઇન્સે ભાડામાં વધારો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ફ્લાઇટ ટિકિટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે, જે ૨,૮૦૦ થી ૫,૦૦૦ રૂપિયા સુધીનો છે. આ વધારો કરાચીથી લાહોર, ઇસ્લામાબાદ અને અન્ય સ્થાનિક સ્થળોની ફ્લાઇટ્‌સ પર લાગુ પડે છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના ભાડામાં પણ નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે, જે ૧૦,૦૦૦ થી ૨૮,૦૦૦ રૂપિયા સુધીનો છે. મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાઈ દેશોની ફ્લાઇટ્‌સના ભાડામાં ૧૫,૦૦૦ રૂપિયાનો વધારો થયો છે. એ નોંધનીય છે કે પાકિસ્તાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે, લોકો ખોરાક ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઇંધણના ભાવમાં ૨૦૦% વધારો તેમની દુર્દશાને વધુ ખરાબ કરશે.