પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટમાં તેર અન્ય લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે અહેવાલ આપ્યો છે કે આત્મઘાતી હુમલાખોરે ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લાના ડોમેલ તહસીલમાં એક પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં વિસ્ફોટકો ભરેલી ગાડી અથડાવી હતી, જેના કારણે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ માઈલ દૂર સુધી સંભળાયો, જેનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો. વિસ્ફોટ પછી તરત જ ગોળીબાર શરૂ થયો, જેનાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો. કોઈ પણ જૂથે તાત્કાલિક હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, બચાવ ટીમોએ ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના પતિ, પત્ની, પુત્રી અને પુત્રનો સમાવેશ થાય છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા ૧૩ લોકોમાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીનો સમાવેશ થાય છે. અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને કટોકટી બચાવ કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટથી નજીકના અનેક ઘરોને પણ નુકસાન થયું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે હુમલાની સખત નિંદા કરી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી દર્શાવે છે કે પોલીસ સ્ટેશન મુખ્ય લક્ષ્ય હતું. પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ વિસ્ફોટમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.
એક નિવેદનમાં,ટીટીપી પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ જણાવ્યું હતું કે તેમના જૂથનો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી. ખુરાસાનીએ કહ્યું હતું કે આ ઘટના સરકારે જ ઘડી હતી.ટીટીપીએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્ફોટનો હેતુ વિસ્તારના લોકોને આતંકવાદીઓ વિરુદ્ધ ઉશ્કેરવાનો અને લોકોમાં ભાગલા પાડવાનો હતો. તેણે જનતાને આ ભ્રામક યુક્તિઓ સામે સતર્ક રહેવા અને સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસોનો વિરોધ કરવાની અપીલ કરી હતી.









































