બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાએ હવે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. એક તરફ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત ૧૪ આરોપીઓ જેલના સળિયા ગણે છે, તો બીજી તરફ આ કેસમાં પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે હવે લોકકલાકાર માયાભાઈ આહીરની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાની ધરપકડ બાદ શું બોલ્યા માયાભાઈ આહિર?
ગુજરાતના લોકોને પેટ પકડીને હસાવનારા માયાભાઈ આહિર પોતાના પુત્રની ધરપકડ બાદ પણ મક્કમ છે. બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ બાદ માયાભાઈ આહીરે મૌન તોડ્યું. પરંતુ હાસ્ય કલાકારનો અંદાજ તદ્દન અલગ હતો. ગીતાના શ્લોકો અને ‘શોલે’ના ડાયલોગની રિધમ પર માયાભાઈએ કહ્યું કે, “જે થયું છે તે બરાબર છે, જે થઈ રહ્યું છે તે બરાબર છે અને જે થશે તે પણ બરાબર થશે.”
પુત્રની ધરપકડ બાદ માયાભાઈ આહીરે મૌન તોડ્યું છે. હુમલાથી લઈને જેલ સુધીની ઘટનાને તેઓ ‘ગીતાનો સાર’ ગણાવી રહ્યા છે. તો બીજી તરફ પીડિતને ન્યાય અપાવવા મંત્રી પરષોત્તમ સોલંકી મેદાનમાં આવ્યા છે. સોલંકીએ લલકારતા કહ્યું કે, ‘સમાજ માટે ધોકા ઉપાડવા પડશે તો પરષોત્તમ સોલંકી ઉપાડશે, કોઈ અખતરા કરવા હોય તો મને યાદ કરજા.’ આમ, બગદાણા કાંડ હવે ‘ગીતાસાર’ વિરુદ્ધ ‘ધોકાવાળી’ના જંગમાં ફેરવાયો છે.
આ કેસમાં સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે, આરોપીઓને બચાવવાની અને સત્ય છુપાવવાની બેદરકારી બદલ હવે પોલીસ જ શંકાના દાયરામાં છે. કેમ કે શરૂઆતમાં ફરિયાદમાં માત્ર ૮ નામ હતા, પરંતુ એસઆઇટીની તપાસ બાદ આખરે ૧૪મા આરોપી તરીકે જયરાજની ધરપકડ થઈ છે. ત્યારે રેન્જ આઈજીએ એક ડીવાયએસપી અને બે પોલીસ ઈન્સ્પેક્ટર સામે તપાસના આદેશ આપ્યા છે. બગદાણા કાંડમાં એક તરફ આરોપીઓ જેલ ભેગા થયા છે, તો બીજી તરફ રક્ષક જ ભક્ષક બન્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ અધિકારીઓ પર તપાસનો ગાળિયો કસાયો છે. હવે જાવાનું એ રહેશે કે, આ તપાસમાં પોલીસના કયા મોટા માથાઓના નામ સામે આવે છે.