જુનાગઢ પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ પોતાના ભાઈઓને બોલાવી પતિ-સાસુ અને નણંદ પર એક જ દિવસમાં બેવાર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનો ગંભીર કિસ્સો હાલ સામે આવ્યો છે. ‘હું પોલીસમાં છું, મને કશું જ નહીં થાય’ તેવી માનસિકતા ધરાવીને આ મહિલા પોલીસ કર્મચારીએ સાસરિયા ઉપર હુમલો કરાવ્યો હતો તેવા આરોપો આ સાસરી પક્ષે મુક્યા છે, જ્યારે પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા અણબનાવ વચ્ચે આ મહિલા પોલીસકર્મીના પતીએ તેની પર અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરીને ઘરમાં ઝઘડો કર્યો હતો. તેવા આરોપો આ મહિલા પોલીસકર્મીએ કર્યા છે, જેથી હાલ બંને પક્ષે પોલીસ સ્ટેસને સામસામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ શહેરના મધુરમ વિસ્તાર ટેનામેન્ટમાં રહેતા અને જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અસ્મિતાબેન વિંઝુડા અને એસ.ટી. વિભાગમાં તેમના પતિ જલ્પેશભાઈ ચૌહાણ(દંપતી) વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી મનદુઃખ ચાલી રહ્યું હતું, અવારનવાર થતી બોલાચાલી અને અરજીઓ ઉપરાંત જલ્પેશભાઈ વિરુદ્ધ કોર્ટમાં ૪૯૮નો કેસ પણ ચાલી રહ્યો છે. હાલ સુધી તો બધુ બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ આ પારિવારીક બાબતે ગઈકાલે સવારે હિંસક રુપ ધારણ કરતા મામતો ગંભીર બન્યો છે.
આ બનાવમાં જલ્પેશભાઈના માતા એટલે કે અસ્મિતાબેનના સાસું હીરાબેન ચૌહાણના આક્ષેપો અને ફરિયાદ અનુસાર, આ પોલીસકર્મી અસ્મિતા પોલીસનો પાવર દેખાડી એક જ દિવસમાં બે વાર હુમલો કરાવ્યો હતો. પહેલા સવારે હુમલો કરાવ્યો હતો, જે ઘટનામાં જલ્પેશભાઈના માતા અને જલ્પેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. બાદમાં રાત્રિના સમયે જલ્પેશ ચૌહાણ પોતાના ઘરે મધુરમ વિસ્તારમાં પોતાના પિતા પાસે જતા હતા ત્યારે આ અસ્મિતાના ભાઈઓ (વિજય વિંઝુડા, રાહુલ વિંઝુડા, કાળા વિંઝુડા અને અજાણી વ્યક્તિ) કારમાં આવીને જલ્પેશ પર તલવાર, લોખંડના પાઇપ, ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી જલ્પેશ ચૌહાણના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને ફ્રેક્ચર થયું છે.
જ્યારે બીજી તરફ, મહીલા પોલીસકર્મી અસ્મિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમારે પતિ-પત્નિ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા કેસ વચ્ચે જલ્પેશે તાજેતરમાં અસ્મિતાબેન પર અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરીને ઘરમાં ઝઘડો કર્યો હતો. જેમાં અસ્મિતાબેન અને તેમની માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આમ આ સમગ્ર ઘટનાના પગલે જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાઈ છે, જેમાં મહિલા પોલીસકર્મી અસ્મિતા સહિત છથી વધુ શખ્સો સામે એક ફરિયાદ દાખલ થઈ છે, તો બીજી તરફ અસ્મિતાએ પણ પતિ-સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ ઘટનામાં જલ્પેશ ચૌહાણ પર હુમલો કરનાર તમામ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.