પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા-અમદાવાદ રોડ પરથી ગોધરા બી-ડીવીઝન પોલીસે ૮૨ કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા બી-ડીવીઝન પોલીસને શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાંથી ૮૨ કટ્ટા ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.પોલીસે તાત્કાલિક આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોખાના જથ્થા તેમજ ટેમ્પાને કબ્જે લીધો હતો. પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. ૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોખાનો જથ્થો ખરેખર સરકારી છે કે કેમ અને જા સરકારી છે તો તે ક્્યાંથી લવાયો અને ક્્યાં લઈ જવાતો હતો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાતા જિલ્લાના અનાજ માફીયાઓમાં ગભરાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ મામલે ‘રવિ’ નામના અનાજ માફીયાનું નામ મોખરે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે.