કોટડાસાંગાણી પંથકમાં લૂંટની એક ચકચારભરી ઘટના સામે આવી છે. રાતે કામ પરથી પરત ફરતા એક યુવકને ચાર અજાણ્યા શખ્સો આંતરીને તેને લૂંટી લીધો હતો.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કોટડાસાંગાણી તાલુકાના રામપરા (નવાગામ) ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા ૩૪ વર્ષીય રણજીતભાઈ નરેશભાઈ બાબરીયા નામનો યુવાન રાજકોટથી નોકરી પૂરી કરીને પોતાની બાઈક દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ૧ ફેબ્રુઆરી,રવિવારના રોજ રાતે આશરે પોણા એક વાગ્યે નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર મેલડી માતાની ડેરી પાસે પહોંચતા જ ચાર અજાણ્યા ઈસમોએ તેમનો પીછો કર્યો હતો.
ચારેય શખ્સોએ રણજીતભાઈના બાઈક આંતરીને તેમનો રસ્તો રોક્્યો હતો. તેમાંથી એક શખ્સે રણજીતભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ તેમને બાઈક સાથે નીચે પછાડી દઈ, ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ યુવક પાસેથી રોકડ ૧૨,૭૦૦, મોબાઈલ અને બાઈક મળી કુલ ૪૨,૭૦૦ ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ ઉપરાંત લૂંટારુઓ ભોગ બનનારનું પાકીટ પણ લઈ ગયા હતા જેમાં આઈ-કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ અને એટીએમ કાર્ડ હતા.
આ ગંભીર બનાવ અંગે રણજીતભાઈએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૩૦૯(૪), ૩૦૯(૬), ૧૧૫(૨), ૧૨૬(૨) અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે, જેમણે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે ધમધમતા રોડ પર બનેલી લૂંટની આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.