
નેપાળ ફરી સળગ્યું છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં લાંબા સમયથી અશાંતિનો માહોલ છે અને છમકલાં થયા કરતા હતા પણ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતાં જ ભડકો થઈ ગયો. યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ‘જેન ઝી’ના પ્રચંડ આક્રોશથી ડરીને ઓલી શર્માએ રાજીનામું તો ધરી જ દેવું પડ્યું પણ દેશ છોડીને પણ ભાગવું પડ્યું. યુવાઓએ ઓલી શર્માના સંખ્યાબંધ મંત્રીઓને નિશાન બનાવીને તેમની જાહેરમાં ધોલાઈ કરી. ઘણા મંત્રીને તો રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા. કેટલાય મંત્રીઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાનોનાં ઘર સળળગાવી દેવાયા. દેશભરમાં ફાટી નીકળેલી હિંસામાં પોલીસ તો લાચાર થઈને જોઈ રહેવા સિવાય કશું કરી શકતી નહોતી તેથી છેવટે આર્મીને બોલાવવી પડી.
આર્મીએ સખત હાથે કામ લઈને તોફાનોને ડામી દીધા અને બીજી તરફ ‘જેન ઝી’ની માગણી પ્રમાણે, નેપાળમાં વચગાળાની સરકારની રચના કરાવી છે કે જેમાં સુશીલા કાર્કી વડાપ્રધાન છે. વચગાળાની આ સરકારનું કામ દેશમાં નવેસરથી ચૂંટણી કરાવીને સ્થિર સરકારની રચના કરાવવાનું છે. નેપાળની સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રહી ચૂકેલાં સુશીલા કાર્કી નેપાળના ૨૨૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે.
સુશીલા નેપાળ સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ હતા ત્યારે ભ્રષ્ટાચારીઓ પર તવાઈ લાવ્યા હતા. તેનાથી અકળાઈને ૨૦૧૭માં પ્રચંડ સરકાર તેમને દૂર કરવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવી ત્યારે હજારો લોકો સુશીલાના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધને કારણે પ્રચંડ સરકારે મહાભિયોગ પ્રસ્તાવ પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી. સુશીલા કાર્કીની આ ઈમેજના કારણે જ ‘જેન ઝી’એ તેમને વચગાળાનાં વડાપ્રધાન બનાવવા માટે દબાણ કર્યું હતું.
નેપાળમાં બે સવાલ પૂછાઈ રહ્યા છે.
પહેલો સવાલ એ કે, નેપાળમાં શું ફરી રાજાશાહી આવશે ?
બીજો સવાલ એ કે, નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બનશે ?
ભારત માટે આ બંને સવાલ મહત્વના છે કેમ કે નેપાળમાં આ બંને પરિવર્તન આવે તો ભારત સાથેના સંબંધો ફરી મજબૂત થાય. છેલ્લા કેટલાંક વરસોમાં નેપાળમાં ચીને પગપેસારો કરીને પોતાનો ભરડો મજબૂત કર્યો છે તેથી નેપાળમાં ભારત વિરોધી સરકારો આવે છે. તેના કારણે બંને દેશોના સંબંધો તંગ બન્યા છે. નેપાળમાં રાજાશાહી હતી ત્યારે ભારત અને નેપાળના સંબંધો અત્યંત મજબૂત હતા પણ રાજાશાહી નાબૂદ થઈ પછી સંબંધો વણસ્યા છે. નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બને તો પણ સ્વાભાવિક રીતે જ ભારત તરફ વધારે ઢળે કેમ કે વિશ્વમાં ભારત હિંદુઓની સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે અને દુનિયામાં બીજું કોઈ હિંદુ રાષ્ટ્ર નથી.
નેપાળમાં હજુય હિંદુઓની બહુમતી છે. વસ્તીની ટકાવારીની રીતે વિશ્વમાં હિન્દુઓની સૌથી વધુ નેપાળમાં વસ્તી છે. ભારતમાં સંખ્યાની રીતે હિંદુઓ વધારે છે પણ ટકાવારીની રીતે નેપાળ ભારતથી આગળ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નેપાળમાં લગભગ ૩ કરોડની વસતીમાં અઢી કરોડથી વધારે એટલે ૮૧.૩ ટકા હિંદુ છે જ્યારે ૩.૧ ટકા કિરાત છે, કિરાત સંપ્રદાય પણ હિંદુત્વની જ એક શાખા હોવાથી નેપાળની ૮૫ ટકા વસતી હિંદુત્વને અનુસરે છે. કુલ વસતીમાં બૌદ્ધ ધર્મી ૯ ટકા છે જ્યારે મુસલમાન ૪.૪ ટકા, ખ્રિસ્તી ૧.૪ ટકા અને પ્રકૃતિ પૂજક ૦.૫ ટકા છે.
નેપાળ વરસો લગી સત્તાવાર રીતે હિન્દુ રાજ્ય હતું અને મહાદેવ એટલે કે ભગવાન શિવને દેશના રક્ષક દેવતા માનવામાં આવતા હતા. રાજા બિરેન્દ્રે લોકશાહીને ટૂંપો દઈને સરમુખત્યારશાહી સ્થાપવા પ્રયત્ન કર્યો તેનાથી ભડકેલા લોકોએ રાજાને ઘરભેગા કરી દીધા પછી સામ્યવાદીઓ હાવી થયા તેમાં નેપાળ સેક્યુલર રાષ્ટ્ર બની ગયું પણ લોકો સામ્યવાદીઓથી થાક્યા છે તેથી નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બની શકે છે.
નેપાળમાં ફરી રાજાશાહી આવી શકે છે.
નેપાળમાં સર્જાયેલી અરાજકતા સમયે ભૂતપૂર્વ રાજવી જ્ઞાનેન્દ્ર સક્રિય હતા. નેપાળમાં પહેલાંથી રાજાશાહીને પાછી લાવવાની માગ પણ થઈ રહી છે એ જોતાં ફરી રાજાશાહી આવી શકે છે.
નેપાળમાં ૨૦૦૬ સુધી રાજાશાહી હતી અને શાહ રાજવંશે ૨૩૯ વર્ષ શાસન કર્યુ. નેપાળના રાજા બિરેન્દ્ર વીર બિક્રમ શાહ અને તેમના પરિવારના ૮ સભ્યોની ૨૦૦૫માં હત્યા પછી જ્ઞાનેન્દ્ર શાહ નેપાળના રાજા બન્યા હતા. નેપાળમાં રાજવી પરિવારની હત્યાના કારણે લોકોનું રાજવી પરિવાર તરફનું માન ઘટેલું તેનો લાભ લઈને ચીનના પીઠ્ઠુ માઓવાદીઓ સક્રિય થઈ ગયા અને હિંસા શરૂ કરી દીધી. ભારત અને નેપાળના સંબંધો સારા હતા તેથી ભારતે માઓવાદીઓને દબાવી દેવામાં મદદ કરેલી.
જ્ઞાનેન્દ્ર શાહને ભારતની મદદથી તોફાનો ડામવામાં સફળતા મળી એટલે હવામાં ઉડવા લાગેલા ને પોતાનો જોરદાર પાવર છે એવું માનવા માંડેલા. આ ભ્રમમાં જ્ઞાનેન્દ્ર શાહે લોકશાહીને સ્થાને પોતાની સમરમુખત્યારશાહી સ્થાપવા પ્રયત્ન કરતા ૨૦૦૬ માં પ્રચંડ આંદોલન શરૂ થયું. જ્ઞાનેન્દ્ર શાહે તેની સામે ઝૂકીને ૨૦૦૭માં સર્વપક્ષીય સરકારને સત્તા સોંપવી પડી અને ૨૦૦૮ માં નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો.
નેપાળમાં વચગાળાના બંધારણનો અમલ કરીને લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં આવી અને સંપૂર્ણ બંધારણનો અમલ કરવાની કવાયત શરૂ થઈ. ૨૦૧૨માં નેપાળમાં બંધારણનો પહેલો ભાગ અમલી બન્યો કે જેમાં હિંદુ રાષ્ટ્રના સ્થાને નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવાયું. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ નેપાળનું સંપૂર્ણ બંધારણ અમલમાં આવ્યું તેમાં રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો સમાપ્ત થઈ ગયો. નેપાળમાં રાજાશાહી વખતે રાજા કહે એ કાયદો હતો. લેખિત બંધારણના અમલ પછી નેપાળમાં રાજા રહ્યા જ નહીં ને તેના સ્થાને પ્રમુખ આવી ગયા ને ફક્ત ચૂંટાયેલી સરકાર જ કાયદા બનાવી શકે છે.
નેપાળમાં ફરી રાજાશાહી આવે તો નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બની જાય કેમ કે રાજવી પરિવાર પરંપરાગત રીતે ભગવાન શિવનો ભક્ત છે. રાજવી પરિવારના કારણે જ નેપાળ વરસો સુધી હિંદુ રાષ્ટ્ર હતું.
નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અનુકૂળ સંજોગો છે.
નેપાળમાં રાજા જ્ઞાનેન્દ્ર છેલા કેટલાક સમયથી પાછા સક્રિય થયા છે અને ફરી રાજાશાહીની સ્થાપનાની માગ સાથે આંદોલન ચાલી રહ્યા છે કેમ કે ચૂંટાયેલી સરકારોએ નેપાળની બુંદ બેસાડી દીધી છે. નેપાળમાં રાજાશાહીની નાબૂદી પછી ૧૭ સરકારો આવી અને તેમની સરકારોના ગેરવહીવટના કારણે નેપાળમાં ગરીબી અને બેરોજગારી વધી છે, સામ્યવાદી શાસકો ચીનના ખોળામાં બેસતાં ભારત સાથેના સંબંધો વણસ્યા તેથી સરળતાથી ભારત જઈ શકાતું નથી તેનો પણ આક્રોશ છે.
ભારતમાં હિંદુત્વનો પ્રભાવ વધ્યો તેના કારણે પણ નેપાળમાં લોકોને હિંદુત્વ ફરી આકર્ષી રહ્યું છે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર બનાવવા સક્રિય થયા હોવાના આક્ષેપો પણ થાય છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી નેપાળમાં હિંદુવાદીઓ વધારે સક્રિય થયા છે અને નેપાળમાં ફરી હિંદુ ઉત્સવો જોરશોરથી મનાવાઈ રહ્યા છે. યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર નેપાળની સરહદની નજીક આવે છે તેથી નેપાળના ઘણા હિંદુઓ ગોરખપુર મઠના અનુયાયી છે. આ કારણે નેપાળના તરાઈ ક્ષેત્રમાં યોગીનો પ્રભાવ છે. ૨૦૧૮માં યોગી આદિત્યનાથ જનકપુર ગયા પછી મઠના સ્વયંસેવકો વધારે સક્રિય થયા છે. નેપાળના મધેસ ક્ષેત્રમાં સંઘનો પ્રભાવ વધતાં હિન્દુત્વનો મુદ્દો જોરશોરથી ઉઠી રહ્યો છે એવું પણ કહેવાય છે.
ભાજપ વિદેશમાં ‘ભાજપને જાણો’ નામે કાર્યક્રમ ચલાવે છે. તેના ભાગરૂપે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાજપ અને આરએસએસના નેતાઓએ કાઠમંડુની વારંવાર મુલાકાતો લીધી છે અને નેપાળના રાજકારણીઓ સાથે નેપાળને ફરીથી ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા અંગે ચર્ચા પણ કરી છે. ૨૦૨૨માં ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડે ભાજપના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેથી રાજકારણીઓને પણ આ વાતમાં રસ પડી રહ્યો છે એ સ્પષ્ટ છે. માર્ચ ૨૦૨૩માં નેપાળના જનકપુરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રા નીકળી ત્યારે હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગ સાથે સૂત્રોચ્ચાર થયેલા.
નેપાળમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો પ્રભાવ વધતાં કટ્ટરવાદી મુસ્લિમો સક્રિય છે. ૨૦૨૩માં આ કટ્ટરવાદીઓએ રામનવમીની શોભાયાત્રા પર જનકપુરમાં હુમલો કરેલો. જાનકી મંદિરની પાસે આવેલી મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે હુમલો થયો હતો. હિંદુવાદીઓએ પણ જવાબ આપતાં નેપાળમાં પહેલી વાર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ રમખાણોને તો સરકારે દબાવી દીધાં પણ નેપાળીઓને લાગી રહ્યું છે કે, અસ્તિત્વ ટકાવવું હોય તો ફરીથી ‘હિન્દુ રાષ્ટ્ર’ બનવું જરૂરી છે.