છેલ્લા અઠવાડિયામાં નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી જુદી જુદી એજન્સીઓ દ્વારા પાંચ વખત રેડ પાડીને દારૂ અને જુગારના અડ્ડાઓ તથા દારૂની હેરાફેરીમાં પોલીસની બેદરકારી છતી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પીસીબીની ટીમે મોડી રાત્રે નારોલ દેવ હોટલ નજીકથી એક દારૂ ભરેલી કારને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લઈને તેમાંથી દારૂનો જથ્થો અને ડ્રાઇવરને ઝડપી લીધો છે. ડ્રાઇવરે દારૂનો જથ્થો નરોડાના વિપુલે મોકલાવ્યો હતો અને તે જથ્થો શાહીબાગના બૂટલેગરો વિકો ઝાલા, અમીયા અને લાલાને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ આ ચારેય બૂટલેગરોને ઝડપી લેવા કવાયત આદરી છે.
અમદાવાદ પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા તથા પીએસઆઇ ખાંટને બાતમી મળી હતી કે નારોલમાંથી એક કાર દારૂનો જથ્થો લઈને પસાર થવાની છે. જેને પગલે વનરાજસિંહ, મહાવીરસિંહ, કલ્યાણસિંહ અને ધર્મેન્દ્રસિંહ નારોલમાં વોચમાં ગોઠવાઈ ગયા હતા. ગાડી આવી ત્યારે પોલીસે રોડ પર આડાશ ઊભી કરીને ટ્રાફિકજામ કર્યો હતો. ત્યારે જ ગાડીના ચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરી એક કચરાની ગાડીને ટક્કર મારી હતી. જાકે ટ્રાફિક હોવાથી ગાડી થોભાવવી પડી હતી.
પોલીસે ગાડીમાંથી રવિ ગોપાલ વછેટા (રહે. નારોલ, મૂળ રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે ગાડીમાંથી કાળા કપડાં નીચે છૂપાવેલી વિલાયતી દારૂની ૮૬૩ બોટલ ઝડપી લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે રવિને નરોડાના વિપુલે બારેજાથી ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આ દારૂનો જથ્થો શાહીબાગના બૂટલેગરો વિકો ઝાલા, અમીયા ઉર્ફે ગરુ તથા લાલાને પહોંચાડવાનો હતો. આ દારૂનો જથ્થો શાહીબાગ પહોંચે તે પહેલાં જ પીસીબીએ ઝડપી લીધો હતો. જ્યારે બાકીના ચાર બૂટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં નારોલની હદમાં પાંચ વખત એજન્સીઓની રેડ પડતાં સ્થાનિક પોલીસની સદંતર બેદરકારી સામે આવી છે. જાકે આ બાબતમાં પોલીસની મૂક સંમતિ હતી કે સંડોવણી, તેની તપાસ હવે કમિશનર ઓફિસની સાથે સાથે ડીજીપી ઓફિસથી પણ શરૂ કરવામાં આવી છે.
તા. ૮ ફેબ્રુઆરીએ નારોલ પોલીસ મથકની હદમાંથી પીસીબીની ટીમે વિલાયતી દારૂની ૧૦,૭૪૯ બોટલ ઝડપી લીધી હતી. ૧૩ ફેબ્રુઆરીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ નજીકથી ૪૦૬ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે નારોલની હદમાં બે વખત દારૂ અને એક વખત જુગારના અડ્ડા પર દરોડો પાડી જુગારીઓને ઝડપી લીધા હતા. નારોલમાં પાંચ રેડને કારણે કમિશનર અને ડીજીપી ઓફિસથી પણ તપાસના આદેશ છૂટ્યા છે.







































