નામમાં જ રામ રહે છે એમ અનુભવીઓ આ જગતને કહેતા ગયા છે. હરિનું નામ જેટલીવાર લો એટલીવાર નૂતન છે. એમાં પ્રતિક્ષણની નવ્યતાનો ભાવ જેનામાં હોય એને માટે જ નામ લીધું લેખે. જપનો અર્થ પુનરાવર્તન ન થાય. કારણ કે જપ એક યજ્ઞ છે અને યજ્ઞની કોઈ પણ બે અગ્નિરેખ કે બે ધૂમ્રસેર સરખી હોતી નથી. સમુદ્રના ઘૂઘવતા જળ જેવી આ વાત છે. કિનારે ઊભા રહો રાતભર તો દરિયો આભમાં ધ્વનિતરંગો ઉછાળશે. એમાં પણ કોઈ બે ધ્વનિ સરખા ન હોય. સ્વરભેદ, તાલભેદ, લયભેદ કે માત્રાભેદ હોય. આ ભેદ જ અજાયબ સિમ્ફની રચે છે. સમુદ્ર પાસે સાત સ્વરોમાંથી માત્ર સા છે. સમુદ્ર સ્થાયી છે અને એટલે એને સા સ્વર જ અતિપ્રિય છે. અનંતકાળથી સાગરના દરેક કિનારે સરગમના પ્રથમ સ્વરનું ગુંજન ચાલે છે. એવું જ ગુંજન હરિનામનું જેમના હૈયે ચાલતું હોય એને હરિ હાથવગા હોય.
નરસિંહ હોય કે મીરાં, તુકારામ કે દયારામ…. પરંતુ એમના ચિત્તમાં, કલાપી કહે છે તેવી દમ-બ-દમ ઝીણી સિતારી જે વાગ્યા કરે છે એ હરિ નામની છે. ભક્તિ-પરંપરામાં એક શબ્દ જપાજપ કે અજપાજપ પણ છે. એનો અર્થ છે કે સતત નામ લેવાય તો એક એવી સ્થિતિ આવે કે નામનું રટણ સ્વયમેવ ચાલ્યા કરે. નામ લેવું ન પડે. જેમ રિયાઝનું સંગીતમાં મહ¥વ છે, રમત જગતમાં પ્રેક્ટિસનું મહ¥વ છે, એ જ રીતે શિક્ષણમાં સ્વાધ્યાયનો મહિમા છે અને અધ્યાત્મમાં નામનો મહિમા છે. જેમ એક વખતની પ્રેક્ટિસ કે થોડા સમય માટેનો સ્વાધ્યાય કે ક્યારેક ક્યારેકનો રિયાઝ જિંદગીમાં કંઈ જ ઉપલબ્ધ કરાવી આપતા નથી, એ જ રીતે ક્યારેક-ક્યારેકનું હરિનામ અંતઃકરણને થોડીવાર શુદ્ધ કરે છે ખરું, પરંતુ સાતત્ય સિવાય એ પરિણામદાયી ન નીવડી શકે. સાતત્ય એ જ તો એક કારણ છે કે સાવ બાઘા જેવા લાગતા માણસો જેઓ ખરેખર ભોળા અને બાઘાછાપ જ હતા, તેઓ આ ભવમાં જ પ્રથમ પરમ પદને પામ્યા અને એમની ઉંચાઈ લોક સ્વીકૃત બની. ભારતનો સમગ્ર મધ્યકાળ એવા મહાપુરુષોથી ભરેલો છે જેમાં સાવ અજ્ઞાનતામાં આળોટનારાઓ અન્ય લાખો લોકોના મોક્ષદાતા બન્યા હોય.
ઘણીવાર આપણી અજ્ઞાનતાને આપણે બહુ સુરક્ષિત રીતે પકડી રાખેલી હોય છે. હરિનામ આપણને એ પકડમાંથી મુક્ત કરાવે છે. પછી જે મુક્તિ મળે છે એ જિંદગીને સહસ્રદલ કમળની જેમ ખીલવાનો અવકાશ આપે છે. પછીના અનુભવો જ ભક્ત અને ભગવાનને એક સ્તરે લઈ આવે છે. જૂનાગઢની બજારમાં આવેલા પ્રવાસી અજાણ્યા વેપારીઓના બહાને સ્થાનિક મહાજનોએ નરસિંહ મહેતાની મજાક કરવાનો મોકો ઝડપી લીધેલો છે. વેપારીઓએ કહ્યું કે અમે તો નાના માણસો છીએ, પરંતુ અમારા ગામમાં નરસિંહ મહેતા બહુ મોટા શેઠ છે. એની પાસે હૂંડી લખાવો તો તમને દ્વારકામાં એમની પેઢી રોકડા ગણી દેશે. ટોળે વળેલા વેપારીઓ વચ્ચે નરસિંહે હૂંડીમાં ધરાર સહી કરવી પડી.
કિસ્સો બહુ જાણીતો છે, પરંતુ એ હૂંડી જયારે શામળશા શેઠના હાથમાં આવી ત્યારે શામળશા શેઠે કહ્યું કે એ તો નરસૈંયા શેઠને મારી મજાક કરવાની ટેવ છે, બાકી ખરેખર તો એ મારો શેઠ છે અને હું દ્વારિકામાં એમનો વાણોતર છું, અમે તો એમના સેવકો છીએ. પ્રેમાનંદે લખ્યું છે અને કૃષ્ણના મુખમાં વાક્ય મૂક્યું છે કે નરસિંહ તો અમારો શેઠ છે અને અમને વેચે તો અમે વેચાઈ જઈએ એવા અમે એને આધીન છીએ. હરિનામની હેલી જેના હૃદયમાં ચાલતી હોય એ ધીરે ધીરે હરિને લગોલગ પહોંચે છે. પછી એમાં કોણ શેઠ અને કોણ વાણોતર એ નક્કી જ નથી. અને એનું કારણ નામનું સાતત્ય છે. હોઠ પર રમતું નામ ક્યારે હૈયે પહોંચે એ નક્કી નથી. કોઈને ઘડી-બ-ઘડીમાં પહોંચે તો કોઈને મનવંતરો વીતી જાય. ભરતગૂંથણની ભાત ઉપસાવતી વેળાએ કાપડ પણ જોવું પડે. એટલે હૃદયની માલિપાનું કાપડ કેવું છે એના પર પણ આધાર છે કે હરિનામનું ભાતચિત્ર કેવું ઉપસશે.
આ સંસારમાં નામ લીધે જ બેડો પાર છે એવું નથી. પણ તમારો નિર્ણય હોય અને સુભાષિતકાર કહે છે એમ લોભીને ધન તરફનું જે ચુંબકત્વ અનુભવાતું હોય એવી જ ‘તાણ્ય’ હરિનામ તરફ અનુભવાય અને નિષ્પ્રયાસે જપ ચાલ્યા કરે તો એ નામ જ તમારે માટે રામ છે. પ્રેમભિક્ષુજી મહારાજ સંકીર્તનના પુરસ્કર્તા. છતાં એમણે વારંવાર કહ્યું કે કામ કરતા રહો અને રામનું નામ લેતા રહો. પ્રહલાદે નામ જ લીધું છે. નામના જાદુથી અલખનો આરાધ જામેલો છે. એમાં એક જુઓ ને એક ભૂલો એવી નામનિપજ મૂર્તિઓ છે. નામ જે વાંચવા કે સાંભળવા મળે છે તે તો પરપ્રકાશિત હોય છે ને જે સ્મરણ કરવા મળે એ જ સ્વયંપ્રકાશિત હોય છે. આમ પણ આંગળીના ટેરવે ફરતા જપમાળાના નાકા તો અખાએ કહ્યું એમ ક્યારનાય ઘસાઈ ગયા છે પણ એ નાકે નાકેય મહાન ભક્તરાજ આપણને મળ્યા છે. જેમના હાથે ભલે બાહ્યાચાર પૂરતી કે મનના આલંબનની માળા ચાલતી હોય પણ હૃદયમાં નામયજ્ઞ ધધખતો હોય. તેઓ ધન્ય છે. હોઠેથી નામને હૈયે પહોંચાડવાનો મારગડો જો મળે તો પછી કંઈ કરવાનું રહેતું નથી. જેને નામની સમજણ છે અને એમાં જ ડૂબેલા છે એણે પોથાં કે થોથાં ઉથલાવવાની શું તમા ?










































