નાના વિસાવદર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત એક ટુ-વ્હીલ અને આઇશર વાહન વચ્ચે થયો હતો. બનાવ સંદર્ભે કથીવદરપરામાં રહેતા રાજુભાઈ દડુભાઈ બાંભણીયા (ઉ.વ.૨૭)એ જીજે-૦૩-બીવાય-૮૪૭૩ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મૃતક યુવક તેના મિત્રો સાથે દ્વારકા, જૂનાગઢ, ગોધમ, અને પરબધામ ફરીને પરત ફરી રહ્યો હતો. તેઓ GJ-૧૪-BB-૫૫૩૧ નંબરવાળી SP સાઇન ટુ-વ્હીલ મોટરસાઇકલ પર સવાર હતા. નાના વિસાવદર ગામના પાટિયાથી આશરે બે કિલોમીટર દૂર નાનુડી ગામ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન ખંભાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા GJ-૦૩-BY-૮૪૭૩ નંબરના આઇશર ટ્રકના ચાલકે બેફિકરાઈપૂર્વક વાહન હંકારીને મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ ભયંકર ટક્કરના કારણે ટુ-વ્હીલ પર સવાર યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલા તેના મિત્રને નાની-મોટી ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇશર ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળ પરથી ભગાવીને ફરાર થઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.







































