દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, અને નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું નવમું બજેટ રજૂ કર્યું છે. દેશના તમામ ક્ષેત્રોને નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, અને આજે આ અંગે જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં એમએસએમઇ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ૧૦,૦૦૦ કરોડની જાગવાઈનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ્ય એમએસએમઇ ક્ષેત્રને રાષ્ટ્રનો ચેમ્પિયન બનાવવાનો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “ભવિષ્યના ચેમ્પિયનોને ઉછેરવા માટે, હું બજેટમાં ૧૦,૦૦૦ કરોડનું એમએસએમઇ ગ્રોથ ફંડ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ દ્વારા, અમે એમએસએમઇ ક્ષેત્રને રાષ્ટ્રનો ચેમ્પિયન બનાવીશું.” એમએસએમઇને લિક્વીડિટી સપોર્ટ પૂરો પાડવા માટે ટ્રેડસ લાગુ કરવામાં આવશે. નાણામંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર નાના વ્યવસાયો પાસેથી સીધી માલ ખરીદવાની વ્યવસ્થા કરી રહી છે.
સરકારનો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોને ચેમ્પિયન બનાવવાનો અને તેમને ટેકો પૂરો પાડવાનો છે. આ માટે, સરકારની યોજના હેઠળ ઇક્વીટી સપોર્ટ તરીકે ૧૦,૦૦૦ કરોડનું સમર્પિત જીસ્ઈ વિકાસ ભંડોળ શરૂ કરવામાં આવશે. વધુમાં, આત્મનિર્ભર ભારત ભંડોળમાં વધારાના ૨,૦૦૦ કરોડ ઉમેરવામાં આવશે.ટ્રેડસને લિક્વીડિટી સપોર્ટ તરીકે, ૭ લાખ કરોડથી વધુ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એમએસએમઇને વ્યાવસાયિક સહાય પૂરી પાડવામાં આવશે. વધુમાં, ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં “કોર્પોરેટ ફ્રેન્ડ્સ” નું એક કેડર બનાવવામાં આવશે, જે એમએસએમઇને પોષણક્ષમ કિંમતે પાલન જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે બજેટમાં વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા માટે ત્રણ ઉદ્દેશ્યોનું વચન આપવામાં આવ્યું છે. આમાં ઉત્પાદકતા વધારવા માટે કામ કરવું, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અને “સબકા સાથ, સબકા વિકાસ” ના વિઝનને આગળ ધપાવવાનો સમાવેશ થાય છે. બજેટ ૨૦૨૬-૨૭માં, નાણામંત્રીએ સેમિકન્ડક્ટર મિશન ૨.૦ ની પણ જાહેરાત કરી હતી, જે નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે પ્રોત્સાહનો પ્રદાન કરશે.








































