ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ આજ રોજ છલોછલ વરસાદી પાણીથી ભરાઈ ગયો છે. નર્મદા ડેમની પોતાની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) છે. જેની સામે હાલ ડેમની જળસપાટી ૧૩૮.૨૨ મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ૭૮૨૮૨ ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમ છલકાયો છે.

નર્મદા ડેમ આ ચોમાસુ સીઝનમાં પ્રથમવાર પોતાની મહત્તમ જળસપાટી ૧૩૮ મીટર પાર પહોંચ્યો છે. ઉપરવાસમાંથી ૭૮૨૮૨ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમના વધામણાં કર્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર નર્મદા ડેમ ખાતે નર્મદા પૂજન કર્યું હતું. સાથે જ સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા ખેડૂતો પણ હર્ષોલ્લાસ સાથે નર્મદાના વધામણાં કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આ પહેલા ગત વર્ષે ૦૧ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ પ્રથમ નવરાત્રીએ આ ડેમ છલોછલ થયો હતો, જ્યારે આ વખતે પણ ૦૧ ઓક્ટોબરના દિવસે જ ડેમ છલોછલ પાણીથી ભરાયો છે. નર્મદા ડેમની મહત્તમ સક્ષમતા સપાટી ૧૩૮.૬૮ મીટર છે, જ્યાં હાલ વરસાદી પાણી પહોંચી ચૂક્યું છે. જેથી હાલ ૪૭૧૭૭ ક્યુસેક પાણીની જાવક પણ શરૂ કરાઈ છે. આ ડેમ ઉપયોગની ખાસ વાત કરીએ તો, આ ડેમની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓના અંતરિયાળ ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચે છે. ત્યારે આ વર્ષે ડેમ છલોછલ ભરાતા આ તમામ વિસ્તારમાં પૂરતી માત્રામાં પાણી મળી રહે છે. આટલું જ નહીં બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતીય ક્રમે આવતો વિશાળ બંધ છે. આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ લાભ મેળવે છે.

આ તરફ આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. ત્યારે નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે.નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબધને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે આ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર યોજના થકી રાજ્યમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ૪ કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને આ પ્રોજેક્ટ થકી ૬૩ હજાર કિલોમીટર લંબાઈના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ૧૭ દિવસમાં તા. ૧૬/૦૬/૨૦૧૪નાં રોજ નર્મદા ડેમનું બાકી કામ પૂરું કરવાની મંજૂરી મળી હતી, જે બાદ તરત જ ડેમની ઊંચાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તથા તમામ કામગીરી પૂર્ણ કરી તા. ૧૭/૬/૨૦૧૭નાં રોજ તમામ ૩૦ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા. જે બાદથી આ ડેમ ગુજરાતના સિંચાઈ ક્ષેત્રે ખેડૂતો માટે જીવાદોરી રૂપે કામ કરી રહ્યો છે. ત્યારે આ ડેમ આજે પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું.