નર્મદા જિલ્લામાં વિકાસકામોમાં ૭૫ લાખ રૂપિયાની લાંચ માગવાના આક્ષેપોને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે. ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ લગાવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે સીધો આક્ષેપ કર્યો છે. આ મામલે તપાસ નહીં થાય તો ભાજપ  સાથે છેડો ફાડી દેવાની ખુલ્લી ચીમકી આપતાં તેમણે પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે.સાંસદ મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદા જિલ્લાના વિકાસકામો માટે ૭૫ લાખ રૂપિયાની લાંચ  માગવામાં આવી હતી, જે અંગેની માહિતી તેમને ખુદ જિલ્લા કલેક્ટર સંજય મોદીએ આપી હતી. આ મુદ્દે યોગ્ય તપાસ ન થાય અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી ન લેવાય તો તેઓ ભાજપમાં રહેવાનો કોઈ અર્થ નથી રહેતો એવું નિવેદન આપી તેમણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.મનસુખ વસાવાએ આ મુદ્દે માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કલેક્ટરને ‘ડરપોક’ ગણાવતા કહ્યું કે, અધિકારીઓ દબાણ હેઠળ આવીને સત્ય છુપાવી રહ્યા છે. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જા સરકાર પોતાના જ સાંસદની રજૂઆતને ગંભીરતાથી નહીં લે અને ભ્રષ્ટાચારને છાવરશે, તો તેઓ ભાજપમાં રહી શકશે નહીં. આ નિવેદન બાદ ભાજપ સંગઠનમાં દોડધામ શરૂ થઈ ગઈ છે, કારણ કે મનસુખ વસાવા આદિવાસી વિસ્તારોમાં મજબૂત રાજકીય પકડ ધરાવે છે.આ તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને કલેક્ટરે આવી કોઈ લાંચ  માગવાની વાત થઈ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ચૈતર વસાવાએ સામો પ્રહાર કરતા કહ્યું કે મનસુખ વસાવા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને બચાવવા અને તેમની વધતી જતી રાજકીય લોકપ્રિયતાને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારનો ખેલ રમી રહ્યા છે.આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે નર્મદા જિલ્લાનું રાજકારણ હાલ ચરમસીમાએ પહોંચ્યું છે. હવે સમગ્ર રાજ્યની નજર રાજ્ય સરકાર અને ભાજપના  આગામી પગલાં પર મંડાઈ છે કે આ ગંભીર આરોપો અંગે શું કાર્યવાહી થાય છે.