અમરેલી જિલ્લામાં સાયબર ગુનેગારો હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે. માત્ર એક લિંક કે APK ફાઇલ મોકલીને મોબાઈલ હેક કરી, બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. અમરેલીમાં રહેતા કાળુભાઇ નાથાભાઇ સાવલીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમના બેંકના બચત ખાતાને સાયબર ઠગોએ નિશાન બનાવ્યું હતું. ઠગોએ ફરિયાદીના વોટ્‌સએપ પર RTO APK નામની એક શંકાસ્પદ ફાઇલ મોકલી હતી. જેવી આ ફાઇલ ડાઉનલોડ થઈ કે તુરંત ફરિયાદીનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના ક્રેડિટ કાર્ડ પર રૂ.૩.૨૦ લાખની લોન કરાવી લીધી હતી. ત્યારબાદ, ખાતામાં રહેલી બચત અને લોનની રકમ મળી કુલ રૂ.૩,૬૪,૯૧૨/- અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. ખાંભા પંથકમાં બનેલી અન્ય એક ઘટનામાં વનરાજભાઇ બાલુભાઇ ભીલ (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, ગત ૨૬ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મોબાઈલ પર ‘SBI CREDIT CARD APK’ નામની ફાઇલ મોકલવામાં આવી હતી. ભૂલથી આ એપ્લિકેશન ડાઉનલોડ થતા જ ફરિયાદીની ગોપનીય માહિતી સાયબર ઠગ પાસે પહોંચી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળના કોલકાતાના સૌરવ મોંડલ નામના શખ્સે ટેકનિકલ સોર્સ દ્વારા ઇન્ડસઇન્ડ બેંકના એટીએમનો ઉપયોગ કરી ફરિયાદીના એસબીઆઈ ખાતામાંથી રૂ.૧,૧૫,૧૪૨/- ઉપાડી લીધા હતા. નવાઈની વાત એ છે કે આ પ્રક્રિયામાં ફરિયાદીને કોઈ ઓટીપી (OTP) પણ મળ્યો નહોતો. ત્રીજા કિસ્સામાં જાફરાબાદના મોટા ઉચાણીયામાં રહેતા ચેતનભાઇ મુકુંદરાય પારેખ (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા પ્રમાણે, એક અજાણ્યા નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો અને સામેવાળા શખ્સે પોતાની ઓળખ ૐડ્ઢહ્લઝ્ર બેંકના મેનેજર તરીકે આપી હતી. વિશ્વાસમાં લઈ ઠગે વોટ્‌સએપ પર એક લિંક મોકલી હતી. આ લિંક ઓપન કરતા જ ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૯૫,૪૭૩/- ઉપડી ગયા હતા.આ ત્રણેય કિસ્સાઓમાં અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલી લિંક અથવા HDFC ફાઇલ સમાન બાબત હતી. પોલીસે લોકોને કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી ફાઇલ ડાઉનલોડ ન કરવી અને બેંકના નામે આવતા શંકાસ્પદ કોલથી સાવધ રહેવા અપીલ કરી હતી.