ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ યુનિયન સ્પોર્ટ કલબ ખાતે જમનાવડ રોડ સ્થિત સરકારી શાળા નંબર ૧૧ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના લઘુમતી અને હિન્દુ સમાજના વિદ્યાર્થીઓએ સાથે મળીને દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કરી કોમી એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા. કુલ ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ આ દેશભક્તિના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુનિયન સ્પોર્ટ કલબ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને વસ્તીમાં ગરીબ લોકોને મદદરૂપ થવા આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.











































