ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે છેલ્લા છ મહિનાથી એક ઝેરી જંતુના કારણે ગામલોકોમાં ભયનો માહોલ છે. આ જંતુ કરડવાથી અત્યાર સુધીમાં પાંચ લોકો અસરગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હોવાનું કહેવાય છે. ગામલોકોના જણાવ્યા મુજબ, આ જંતુ પગમાં કરડે છે, જેના એક કલાક બાદ દુઃખાવો શરૂ થાય છે. પછી પગમાં ફોલ્લા પડી જાય છે અને ધીમે ધીમે આખા પગમાં ફેલાઈને કિડની સુધી પહોંચી જાય છે. તાજેતરમાં ૧૯ તારીખે બે વ્યક્તિઓને આ જંતુ કરડતા તેમને તાત્કાલિક ઉપલેટા ખાતે સારવાર માટે ખસેડાયા હતા.સ્થાનિકોએ તાત્કાલિક ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર ડા. વાછાણીને જાણ કરતા, તેઓ રાજકોટ આરોગ્ય શાખાની ટીમ સાથે પાટણવાવ પહોંચ્યા હતા. ટીમે અસરગ્રસ્ત દર્દીઓની તપાસ કરી અને જંતુના ઉપદ્રવ વાળા વિસ્તારમાં દવા છંટકાવ કર્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.