ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો ભાદર-૨ પુલ વડોદરાની પુલ દુર્ઘટના બાદ ભારે વાહનો માટે બંધ કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ નિર્ણયનો વિરોધ કરતાં રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણી શામજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગે યોગ્ય મૂલ્યાંકન વિના આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, સોમનાથ-જામનગર જેવા વ્યસ્ત રૂટ પર આ પુલના બંધ થવાથી વાહનોને ૪૦ કિલોમીટરનું ડાયવર્ઝન લેવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. આનાથી આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી થઈ રહી છે. શામજીભાઈએ માંગણી કરી છે કે, જો પુલ જર્જરિત હોય તો તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અને જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી એસ.ટી. અને પેસેન્જર વાહનોને પસાર થવાની મંજૂરી આપવી જોઈએ.