ધોરાજી શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતા કર્મચારીઓ અને ખેતર ડેપોમાં કચરો લઈ જતા ટ્રેક્ટર કર્મચારીઓની હડતાળને કારણે શહેરભરમાં કચરાના ગંજ ખડકાઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી સફાઈ કામગીરી ખોરવાઈ જતા ધોરાજીના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોગચાળાનો ભય ફેલાયો છે. ધોરાજી નગરપાલિકાના સફાઈ વિભાગમાં કર્મચારીઓના પ્રશ્નો અને પડતર માગણીઓ મામલે વારંવાર આંદોલન કરવું પડી રહ્યું છે, જે પાલિકા તંત્રની
નિષ્ફળતા દર્શાવે છે. જેના કારણે વેરા ભરતા નાગરિકોને વારંવાર હાલાકી ભોગવવી પડે છે. ઘરે ઘરેથી કચરો એકત્રિત કરતા વાહનના ડ્રાઈવર અને હેલ્પર તેમજ ઘન કચરાનો નિકાલ કરતા ટ્રેક્ટર ડ્રાઈવર અને મજૂરો સહિત આશરે ૫૪ જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સેનિટેશન વિભાગના સુપરવાઈઝર આશિષભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, વર્તમાન શાસકો દ્વારા સફાઈકર્મીઓને બદલી કરવા ઉપરાંત પરેશાન કરવામાં આવતા હોવાથી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.