ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલા ભાદર નદીના બ્રિજ પર આજે નિયમોના ઉલાળિયાને કારણે એક રાહદારીને ગંભીર ઈજા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સરકારે રાજ્યમાં જુના અને જર્જરિત પુલો પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે, તે અંતર્ગત ભાદર નદીના આ બ્રિજને પણ પ્રતિબંધિત જાહેર કરાયો છે, તેમ છતાં ભારે વાહન ચાલકો આ પ્રતિબંધને ગાંઠતા નથી. થોડા દિવસો પહેલાં પણ કોઈ ભારે વાહન દ્વારા પુલ પરનો લોખંડનો બેરીગેટ તોડી નાખવામાં આવ્યો હતો, જેનું તંત્ર દ્વારા ફરી સમારકામ કરાયું હતું. જોકે ફરી કોઈ ભારે વાહને પુલ પરથી પસાર થઈને લોખંડની આડશનો બેરીગેટ તોડી નાખ્યો હતો. બેરીગેટ ઉપર રહેલો લોખંડનો એંગલ પુલ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીના માથાના ભાગે પડતાં રાહદારીને ગંભીર ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્ત રાહદારીને અન્ય રાહદારીઓની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.








































