ધોરાજી તાલુકાના ફરેણી ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈએ ગામના તત્કાલીન સરપંચ અને તલાટી મંત્રી તેમજ બે કર્મચારીઓ પર ગુનો દાખલ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે ધોરાજી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા આર.આર. કામરીયાએ ધોરાજી પોલીસ સમક્ષ ફરિયાદ આપી હતી જેના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીમાં ગામના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા, ફરજ પરના તલાટી મંત્રી એમ.વી. વેકરીયા, રોહિતભાઈ રણછોડભાઈ સરધારા (હાજરી પૂરનાર) અને જગદીશભાઈ બાબુભાઈ રાબડીયા (મસ્ટરમાં હાજરી નોંધનાર) આ ચારેય આરોપી સામે ધોરાજી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વર્ષ ૨૦૧૦માં આરોપીઓ રાજ્ય સેવક હોય તે છતાં અંદરોઅંદર મેળ મિલાપ કરી મનરેગા યોજનામાં શ્રમિકોની એકથી વધારે કામમાં હાજરી પુરી શ્રમિકોના પોસ્ટ ઓફિસમાં જમા થયેલ નાણા પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઈ નાણાકીય ગેરરીતિ, આર્થિક ગુનાહિત પ્રવૃત્તિ કરી વિશ્વાસઘાત કરેલ હોય આ ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી. આ ગુનાની તપાસ ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી છે. હાલ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.