ધારી મુકામે ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી ( FPO) દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. બુધવારે મામલતદાર ધારી દ્વારા કેન્દ્રની મુલાકાત લઈ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુજકોમાસોલના ગ્રેડરની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના દિશાનિર્દેશો અનુરૂપ ખરીદી થઈ રહી છે. મંડળીના સંચાલક ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું કે, આ વર્ષે પ્રતિ મણ ભાવ રૂ. ૧,૪૫૨ જાહેર કરાયો છે અને એક ખેડૂત પાસેથી ૧૨૫ મણની મર્યાદામાં ખરીદી કરાશે. ધારી ખાતે ૧૧,૦૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ બોરી મગફળીની ખરીદી થઈ છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં ત્રણ કરોડ રૂપિયા પેમેન્ટ જમા થઈ ચૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૫ કરોડની જણસોની ખરીદી થતાં ખેડૂતોને રાહત મળી છે.