ધારીની અદાલતમાં વકીલ ન હોવા છતાં ખોટી સહી અને દસ્તાવેજોના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરી હુકમ મેળવી લેવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે નામદાર થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દિલીપભાઇ મુંકદરાવ કાળે (ઉ.વ.૫૧, ઇ.ચા. રજીસ્ટાર થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટ ધારી)એ આર.બી. જોષી (વકીલ, ધારી) સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, ધારી કોર્ટમાં ‘રેગ્યુલર દિવાની અપીલ નં. ૦૬/૨૦૨૫’ નો કેસ ચાલી રહ્યો હતો. આ કેસ જ્યારે
કોર્ટ ફી ભરવાના સ્ટેજ પર હતો, ત્યારે એક શખ્સે પોતે વિવાદીના વકીલ ન હોવા છતાં અને તેમની પાસે વકીલાત કરવાનો કોઈ કાનૂની અધિકાર ન હોવા છતાં, ખોટી રીતે વકીલ તરીકેની પુરસીષ (રિપોર્ટ) તૈયાર કરી હતી. આરોપીએ આ પુરસીષમાં પોતાની સહી કરી એક પ્રકારનો ‘ખોટો દસ્તાવેજ’ તૈયાર કર્યો હતો. આ દસ્તાવેજ ખોટો હોવાનું જાણવા છતાં, નામદાર કોર્ટનો હુકમ મેળવવાના બદઈરાદાથી તેને થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ શખ્સે કોર્ટને અંધારામાં રાખીને તેના આધારે અનધિકૃત રીતે કોર્ટનો હુકમ પણ મેળવી લીધો હતો. કોર્ટની ગરિમા અને કાયદાકીય પ્રક્રિયા સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી બાબતે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજો ઉભા કરી ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરનારા આ શખ્સ સામેના પુરાવાઓને ધ્યાને લઈ તપાસ તેજ કરવામાં આવી હતી. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.








































