આજના સમયમાં ફાસ્ટ ફૂડ વાળી જિંદગીમાં લોકોનું આયુષ્ય ટૂંકુ થઈ રહ્યું છે ત્યારે યુવાનોને શરમ આવે તે રીતે ધારી ગામે રહેતા એક વૃદ્ધા ૧૨૧ વર્ષની ઉંમરે પણ અડીખમ જોવા મળી રહ્યા છે. હાલના સમયમાં યુવાનોમાં ફાસ્ટ ફૂડની લાઈફ જોવા મળી રહી છે. તીખું તમતમતું અને મસાલેદાર ખાણીપીણી અત્યારે જીવનનું એક અંગ બની ગયું છે. ફાસ્ટ ફૂડની જીવનશૈલીને કારણે લોકોનું આયુષ્ય ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને યુવા અવસ્થામાં હૃદય રોગના હુમલાનું પણ પ્રમાણ વધવા પામ્યું છે ત્યારે ધારી ગામે રહેતા એક વૃદ્ધા હાલ ૧૨૧ વર્ષની ઉંમરે પણ હાલતા ચાલતા જોવા મળી રહ્યા છે. કાતરીયા પરિવારના સભ્યોનો દાવો છે કે તેમના દાદીની ઉંમર હાલ ૧૨૧ વર્ષની છે. હાલના સમયમાં ૭૦ થી ૮૦ વર્ષની ઉંમરે પહોંચવું પણ ખૂબ જ અઘરું માની શકાય ત્યારે આ વૃદ્ધા ૧૨૧ વર્ષે પણ હાલતા ચાલતા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવડી ઉંમરમાં પણ આ વૃદ્ધા સીડીના પગથિયાં કોઈપણની મદદ વગર ચડી જાય છે તેમજ રસોઈ ઘરમાં પણ બાળકોને ઈચ્છા મુજબ નાની-મોટી રસોઈ બનાવી આપે છે. ૧૨૧ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ પણ આ વૃદ્ધા આજે પોતાનું કામકાજ જાતે કરી લે છે જેમ કે સવારમાં વહેલા ઊઠીને ચા બનાવવી, મંદિરે જવું, ધૂન કીર્તનમાં જવુ આવવું. વૃદ્ધા કોઈપણની મદદ વગર ચાલતા જઈ શકે છે. વૃદ્ધાની ઉંમર ૧૨૧ વર્ષની થઈ હોવા છતાં તેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. આ ઉંમરમાં પણ તેમને હજુ દવા લેવાની પણ જરૂર પડી નથી. હાલ તો આ વૃદ્ધા યુવાનો માટે પ્રેરણાદાયી બન્યા છે.