ધારીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં શુક્રવારે નવસારીના ત્રિલોક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મહેમાનોનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું. જેમાં દલખાણીયા ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને પણ સન્માનિત કર્યા હતા. આ શાળાના દરેક બાળકોને ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કિટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યું હતું. મીઠાપુર ગામના જ રાહુલભાઈ મકવાણા આ શાળામાં ભણ્યા પછી નવસારીમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે. તો તેમણે વતનનું ઋણ ચુકવવા આ શાળા પસંદ કરી તેમાં બાળકોને કિટ આપી અને નાસ્તો કરાવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણીયા, મેહુલભાઈ દેવમુરારી, ભરત મકવાણા, જનકભાઇ, ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ દેવમુરારીએ કર્યું હતું.