ધારી તાલુકાના ફાચરિયા ગામે રહેતા એક યુવકને ફોન પર બિભત્સ ગાળો આપી ગુનાહિત ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. સ્ત્રી સંબંધી બાબતનું મનદુઃખ રાખી ચલાલાના એક શખ્સે ફોન પર આતંક મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે ફોટાગ્રાફીનું કામ કરતાં ખુશાલભાઇ ઉર્ફે તુષારભાઇ બાબુભાઇ જોષી (ઉ.વ.૩૮) એ વી.એન.કાકડીયા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મુજબ, તારીખ ૦૩/૦૧/૨૬ ના રોજ બપોરના આશરે એક વાગ્યે તેઓ પોતાના ઘરે સાહેદો સાથે હાજર હતા. તે દરમિયાન તેમના મોબાઈલ પર નંબર ૭૦૪૩૪૨૭૦૭૮ પરથી બે મિસ્ડ કોલ આવ્યા હતા. તેમણે સામેથી આ નંબર પર ફોન કરતા સામા છેડેથી આરોપીએ પોતાની ઓળખ વી.એન. કાકડીયા (રહે. ચલાલા) તરીકે આપી હતી. આરોપીએ ફોન પર ફરિયાદીને ધમકાવતા જણાવ્યું હતું કે, ‘નયનાબેનની મેટર છે તેમાં તમારે શું કરવાનું છે? તારે રાખવી છે કે છૂટું કરવાનું છે?’ આટલું કહી આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેઓ તથા હાજર સાહેદો સાંભળે તે રીતે ફોન પર બિભત્સ ગાળો ભાંડી હતી. આરોપીએ ફરિયાદીને ગંભીર પરિણામ ભોગવવાની ગુનાહિત ધમકી પણ આપી હતી.ફોન પર મળેલી ધમકી અને ગાળાગાળીના પગલે ફરિયાદીએ ધારી પોલીસ મથકમાં આરોપી વી.એન. કાકડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.