અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. સામાજિક પ્રસંગ પતાવી પરત ફરી રહેલા પરિવારની રિક્ષાને એક બેફામ કાર ચાલકે રોંગ સાઈડમાં આવી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બાબુભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૦)એ અજાણ્યા કાર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્ની દમુબેન, તેમના બાળકો જતીન અને ઈશા, સસરા દેવશીભાઈ જેઠવા તેમજ અન્ય સંબંધીઓ વિકીભાઈ વગેરે પીયાગો રિક્ષા (રજી. નં. GJ-10-TV-૪૯૧૧) ભાડે કરી લુણસાપુર ગામે સામાજિક પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ પતાવી રિક્ષામાં આશરે ૧૧ જેટલા માણસો પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે દેવળાથી ખીચા ગામ તરફના રસ્તે આ અકસ્માત સર્જાયો હતો.સામેથી પૂરપાટ ઝડપે આવતી સફેદ કલરની ફોરવ્હીલ કાર (રજી.નં. GJ-01-RK-૩૪૬૬) ના ચાલકે માનવ જિંદગી જોખમાય તે રીતે રોંગ સાઈડમાં આવી રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બાળકી ઈશાનીને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ફોરવ્હીલ ચાલક ગાડી મૂકીને અથવા સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.








































