ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂરક માંગણીઓ પર યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા. સરકાર વિકાસ અને રોકાણના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ રાજ્યની આર્થિક ગતિ ધીમી પડતી હોવાની દિશા દર્શાવે છે, એવો આક્ષેપ તેમણે ગૃહમાં કર્યો.
ચર્ચા દરમિયાન પરમારે સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતનો વિકાસદર ૯.૨ ટકા હતો, જે વર્ષ ૨૦૨૫-૨૬માં ઘટીને ૮.૩ ટકા રહ્યો છે. “એક ટકાનો ઘટાડો નાનો લાગતો હોય, પરંતુ રાજ્ય જેવી મોટી અર્થવ્યવસ્થા માટે તે ચિંતાજનક સંકેત છે,” એમ તેમણે જણાવ્યું. તેમના કહેવા મુજબ વિકાસદર ઘટે અને સાથે દેવું વધે તો લાંબા ગાળે રાજ્યની આર્થિક સ્થિતિ પર દબાણ ઊભું થાય છે.
પૂરક માંગણીઓ પર સરકાર વારંવાર વધારાનો ખર્ચ મંજૂર કરાવી રહી છે, જેના કારણે રાજ્યની તિજારી પર વધારાનો બોજ પડે છે, એવો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. બજેટમાં અનુમાનિત ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત વધી રહ્યો છે, જે નાણાકીય શિસ્ત માટે સવાલ ઊભો કરે છે, એમ તેમણે દલીલ કરી.
કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં ઘટાડા અંગે પરમારે આંકડાકીય તુલના રજૂ કરી. તેમના મુજબ વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતને ૨૫,૫૫૭ કરોડ ફાળવાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં આ રકમ ઘટીને ૧૪,૧૨૭ કરોડ થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં ૧૧,૪૬૦ કરોડનો ઘટાડો થયો છે. “આ ઘટાડો માત્ર આંકડો નથી, પરંતુ વિકાસ કાર્યો પર સીધી અસર પાડે છે,” એમ તેમણે જણાવ્યું.
રાજ્યમાં છેલ્લા સમયગાળામાં આવેલા પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આપત્તિ સમયે ૧૧,૦૦૦ કરોડની જાહેરાતો કરી હતી, પરંતુ જ્યારે કેન્દ્રીય સહાયની વાત આવે છે ત્યારે યોગ્ય પ્રતિસાદ મળતો નથી. વાવાઝોડા બાદ એનડીઆરએફ હેઠળ ૧,૫૫૩ કરોડની માંગણી કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર તરફથી રકમ ફાળવાઈ નથી, એવો દાવો તેમણે કર્યો.
પરમારે ગૃહમાં કહ્યું કે એક તરફ રાજ્ય સરકાર વિકાસના ઊંચા દાવા કરે છે અને બીજી તરફ વિકાસદર ઘટી રહ્યો છે. જા સાથે કેન્દ્રીય હિસ્સામાં પણ કાપ મુકાય તો રાજ્યની યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો પર અસર થવી સ્વાભાવિક છે.
ચર્ચા દરમિયાન સત્તારૂઢ પક્ષના સભ્યો દ્વારા આ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા અને રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત હોવાનું કહેવાયું હતું. તેમ છતાં, પરમારના આંકડાઓ અને દલીલોને કારણે ગૃહમાં નાણાકીય નીતિઓ અંગે ચર્ચા દરમિયાન ગરમાવો આવ્યો હતો.