ધાતરવડી-૧ સિંચાઈ યોજનામાં તાજેતરમાં અતિ ભારે વરસાદને કારણે કેનાલો અનેક સ્થળોએ તૂટી જવાથી તેમજ જંગલ કટિંગના કારણે પાણી પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે. હાલમાં ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલિક સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. ખરીફ સિઝનમાં અતિ વરસાદને કારણે પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ મુદ્દે જૂની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ રમેશભાઈ વસોયા અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશ પટેલ દ્વારા સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. તેમણે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કાર્યપાલક ઇજનેર (ઈરિગેશન) અમરેલી અને કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ રાજુલા – ત્રણેયને સંયુક્ત રીતે પત્ર લખી તાકીદના પગલા લેવા વિનંતી કરી છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે, કેનાલોના તાત્કાલિક સમારકામ વગર શિયાળુ પાક માટે જરૂરી પાણી સમયસર ઉપલબ્ધ થશે નહીં, તેથી કેનાલની તાત્કાલિક મરામત કરી, શક્ય તેટલી વહેલી તકે કેનાલમાં પાણી છોડીને ખેડૂતોને રાહત આપવામાં આવે. સાથે જ, ચોમાસામાં ખરીફ પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હોવાથી, સિંચાઈ વિભાગ દ્વારા વસૂલાત થતા એડવાન્સ પાણીચાર્જ માફ કરવામાં આવે અને ખેડૂતોની હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને, શિયાળુ પાક માટે જરૂરી પાણી વિનામૂલ્યે આપવામાં આવે.