ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે છેલ્લા ૧૩ વર્ષથી બેભાન અવસ્થામાં પથારીવશ ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટેની અરજી મંજૂર કરી છે. કોર્ટે કહ્યું છે કે હરીશ રાણાને એમ્સમાં પેલિએટિવ કેરમાં દાખલ કરવામાં આવશે જેથી તબીબી સારવાર પાછી ખેંચી શકાય. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો આ પહેલો કેસ છે.
હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રક્રિયા ગૌરવ સાથે પૂર્ણ થાય તેની ખાતરી કરવી જાઈએ. છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે હરીશ રાણાના પરિવાર સાથે પણ વાત કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ પારડીવાલાએ કહ્યું હતું કે, “આ ખૂબ જ દુઃખદ અહેવાલ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય છે. પરંતુ અમે આ છોકરાને આટલા ભારે દુઃખમાં રાખી શકતા નથી. અમે એવા તબક્કે છીએ જ્યાં આજે આપણે અંતિમ નિર્ણય લેવો પડશે.”
ગાઝિયાબાદનો હરીશ રાણા લગભગ ૧૩ વર્ષથી બેભાન છે. અહેવાલો અનુસાર, ચંદીગઢમાં અભ્યાસ કરતો હરીશ રાણા ૨૦૧૩ માં તેની હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયો હતો, તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી તે પથારીવશ છે. સતત બેડ રેસ્ટને કારણે તેના શરીર પર ઘા પડી ગયા છે.
હરીશ રાણાના માતા-પિતાએ તેમના પુત્રના સ્વસ્થ થવાની આશા છોડી દીધી છે. હરીશ ૧૦૦% અપંગ છે. પરિણામે, તેના માતા-પિતાએ કોર્ટને તેને ઈચ્છામૃત્યુ આપવાની વિનંતી કરી છે. એમ્સજીના રિપોર્ટ મુજબ, હરીશ રાણાના સ્વસ્થ થવાની કોઈ આશા નથી.








































