ભારતના ઉત્પાદન ક્ષેત્રે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૧૭ વર્ષમાં સૌથી ઝડપી સુધારો નોંધાવ્યો છે, જે ઉત્પાદન ક્ષમતામાં વધારો તેમજ સ્વસ્થ માંગની સ્થિતિને કારણે છે. સોમવારે એક માસિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. મોસમી રીતે સમાયોજિત એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઇન્ડેક્સ જુલાઈમાં ૫૯.૧ થી વધીને ઓગસ્ટમાં ૫૯.૩ થયો. આ છેલ્લા સાડા ૧૭ વર્ષમાં કાર્યકારી પરિસ્થિતિઓમાં સૌથી ઝડપી સુધારો દર્શાવે છે. પીએમઆઇ હેઠળ ૫૦ થી ઉપરનો ઇન્ડેક્સ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તરણ દર્શાવે છે જ્યારે ૫૦ થી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે.
એચએસબીસીના ચીફ ઇન્ડિયા ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, “ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ઓગસ્ટમાં બીજી નવી ઊંચાઈએ પહોંચ્યું, જે ઉત્પાદનમાં ઝડપી વિસ્તરણને કારણે શક્ય બન્યું છે.” દરમિયાન, નવા ઓર્ડર આવતા જુલાઈમાં સમાન દરે વધ્યા, જે ૫૭ મહિનામાં સૌથી ઝડપી હતું. રોજગાર મોરચે, અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટમાં સતત ૧૮મા મહિનામાં રોજગારમાં વધારો થયો છે. જાકે, નવેમ્બર ૨૦૨૪ પછી આ સૌથી નીચો દર છે. દરમિયાન, ભારતીય અર્થતંત્ર એપ્રિલ-જૂનમાં અપેક્ષા કરતાં વધુ ૭.૮ ટકાના દરે વધ્યું, જે છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ઝડપી ગતિ છે.
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું છે કે યુએસ સાથેના વેપાર મડાગાંઠ હાલમાં ચાલુ છે. તેની કેટલીક અસર બીજા ત્રિમાસિક ગાળામાં જાવા મળશે, કારણ કે ભારતીય નિકાસ પર વધેલો ટેરિફ ઓગસ્ટમાં અમલમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યુએસએ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર, યુએસએ પહેલા ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો અને બાદમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાને કારણે વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો.એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ લગભગ ૪૦૦ ઉત્પાદકોના જૂથમાં ખરીદી મેનેજરોને મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબોના આધારે એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.