જો તમે બહાર ફરવા જવા માટે ટૂર ઓપરેટરનો સંપર્ક સાધો છો તો સાચવજો. કારણ કે અમદાવાદમાં એક ટૂર સંચાલકે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં કે.સી.હોલીડે ટૂર  સંચાલકે દુબઈની ટ્રીપનાં નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ છે કે સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને ટૂર સંચાલકે લોકો પાસેથી પૈસા પડાવ્યા અને ૮ તારીખથી સંચાલક ઓફિસે તાળા મારી ફોન બંધ કરી ફરાર છે. આ મામલે પોલીસે ટૂર સંચાલકની શોધખોળ આદરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કે.સી. હોલીડે નામની એજન્સીનાં સંચાલક કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ છે કે, કિરણસિંહ ચૌહાણે લોકોને દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી હતી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. જા કે, રૂપિયા લીધા બાદ ટૂર સંચાલક કિરણસિંહ ચૌહાણ ૮ સપ્ટેમ્બરથી ઓફિસે તાળા મારી અને ફોન બંધ ફરાર થયો છે. કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ સરખેજ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અલગ-અલગ ગુના નોંધાયા છે.માહિતી અનુસાર, છેતરપિંડીનો ભોગ બનનારા ૧૦૦ થી વધુ લોકો છે જેમણે પોલીસ સમક્ષ નિવેદન લખાવ્યા છે. કે.સી હોલીડે સંચાલક કિરણસિંહ વિરુદ્ધ અગાઉ વર્ષ ૨૦૨૨ માં પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ૪૦ જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જા કે, ત્યાર બાદ ફરી કે.સી હોલીડે ટૂર ઓપરેટર શરૂ કરી લોકોને સસ્તી ટૂરની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે આરોપી કિરણસિંહ ચૌહાણની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે.