દિવાળીના પર્વ અને વેકેશનના માહોલ વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે ઉમટ્યા હતા. ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધી આશરે સાડા પાંચ લાખ શ્રદ્ધાળુઓએ પરિવારજનો સાથે મા ખોડલના દર્શન કરીને પરિસરમાં વેકેશનનો આનંદ માણ્યો હતો. તહેવારોમાં મંદિર પરિસરને ભવ્ય અને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ કલાત્મક વિશાળ રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી. દર્શને આવતા લાખો ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે ૫૦૦ જેટલા સ્વયંસેવકોએ તહેવારનો ત્યાગ કરીને મંદિરમાં ખડેપગે રહીને સેવા આપી હતી.