ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી હતી અને ઇફકો કિસાન SEZના વિકાસ કાર્યોને આગળ ધપાવવા અંગે અત્યંત સારગર્ભિત અને સકારાત્મક ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન પ્રોજેક્ટની વર્તમાન પ્રગતિ, ભવિષ્યની સંભાવનાઓ અને રાજ્ય સરકાર તરફથી વધારાના સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઇફકો કિસાન SEZ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને પ્રોજેક્ટ માટે જરૂરી તમામ સહકાર અને કાર્યવાહી તાત્કાલિક આપવાના નિર્દેશો આપ્યા હતા.દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીના સકારાત્મક અભિગમ તથા તાત્કાલિક સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ સમર્થનથી પ્રોજેક્ટને નવી ગતિ મળશે તથા ક્ષેત્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મજબૂત આધાર મળશે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી ટી.જી. ભારત, ઉદ્યોગ વિભાગના સચિવ ડા. એન. યુવરાજા (IAS), ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર કે.જે. પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા










































