દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આજે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જતાં આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના છત્રછાયા હોસ્પિટલની તરત બાજુમાં બની હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડો ફેલાતાં સાવચેતીના ભાગરૂપે છત્રછાયા હોસ્પિટલના દર્દીઓ તેમજ સ્ટાફને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, કારણ કે આગ લાગી તે મકાન બંધ હતું અને તેમાં કોઈ હાજર નહોતું.
જોકે, મકાનમાં રહેલી તમામ ઘરવખરી અને સામાન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા છે, જેનું મોટું આર્થિક નુકસાન થયું છે.ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરફાઇટર્સે ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય તકનીકી ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વિસ્તારમાં આગ સલામતીના મુદ્દે ચિંતા વધારી છે. તંત્ર દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.










































