દાહોદના કઠલા ગામે એક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. કઠલા ગામમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી આખુ ગામ સ્તબ્ધ બની ગયું છે. પિતાએ બે પુત્રો સાથે છાયણ ફળીયામાં વૃક્ષ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આખા ગામમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો બન્યો છે. પિતાની સાથે મૃત્યુ પામેલા બંને બાળકોની ઉંમર પાંચ અને સાત વર્ષ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે ત્રણેયનું પંચનામુ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યા છે. બંને બાળકો સાથે પિતાએ આત્મહત્યા કેમ કરી તેનું રહસ્ય અકબંધ છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે લીધો છે. તેની સાથે પોલીસે મૃતકના મિત્રવર્તુળથી લઈને સગાસંબંધીઓની પૂછપરછ પણ શરૂ કરી છે. આ ઉપરાંત આત્મહત્યાના કારણમાં વ્યાજનું વિષચક્ર છે કે નહીં તેની પણ પોલીસે તલાશ આદરી છે. તાજેતરના કેટલીય આત્મહત્યામાં પોલીસને વ્યાજના દુષ્ચક્રનું કારણ તપાસમાં જાણવા મળ્યું છે.પોલીસે આ સિવાય મૃતક પિતા કોઈ જુગાર, સટ્ટો કે ઓનલાઇન ગેમ્સમાં રૂપિયા હારી ગયો હોય તે સંભાવના પણ ચકાસી રહી છે. તેની સાથે તેણે કોઈ લોન લીધી હોય અને તે ચૂકવી ન શકતા એજન્ટો હેરાન કરી રહ્યા હતા તેવી વાત પણ ચકાસી રહી છે. આ સિવાય તેણે કોઈ મિત્ર કે સગાસંબંધી સાથે રૂપિયા ઉધાર લીધા હોય અને મામલો વણસ્યો હોય તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.તેની સાથે ઘરકંકાસના પરિબળને પણ ધ્યાનમાં રાખી રહી છે. ઘરકંકાસના કારણે કેટલાય ઘર ઉજડ્યા છે. આ ઉપરાંત કોઈ પ્રણય ત્રિકોણ હોય કે પતિનું કે પત્નીનું અફેર હોય તેવી સંભાવના અંગે પણ પોલીસ જાઈ રહી છે. દાહોદ પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેણે શરૂ કરેલી તપાસ આગામી દિવસોમાં આ કેસમાં વધારે પ્રકાશ પાડશે.