ગાંધીધામમાં દારૂના અડ્ડા પર આપ નેતાઓએ કરેલી ‘જનતા રેડ’નો મામલો હાલ ગરમાયો છે. આ મામલે એક મહિલા દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડમાં સામેલ ‘આપ’ના નેતાઓ સામે એટ્રોસિટી અને તોડફોડની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે આપ નેતાઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોલીસ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
વિગતે વાત કરીએ તો, તાજેતરમાં કચ્છના ગાંધીધામ શહેરના સેક્ટર-૫ વિસ્તારમાં આપ નેતાઓએ દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’ની કાર્યવાહી કરી હતી. જે જનતા રેડમાં સામેલ આપના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ નેતા ડો. કાયનાત આથા અને દિગુભા જાડેજા સામે સોનબાઈ મહેશ્વરી નામની એક મહિલાએ એટ્રોસિટી હેઠળ ધમકી અને જાતિ અપમાન કરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ડો. કાયનાત આથા અને દિગુભા જાડેજાને રાઉન્ડ અપ કરાયા છે.
સમગ્ર મામલે ‘આપ’ના નેતા કૈલાશદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. કૈલાશદાન ગઢવીએ જણાવ્યું કે, ડો. કાયનાત આથા છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં નશામુકિત  અભિયાન ચલાવે છે, જે અંતર્ગત તેઓએ પહેલા પણ એક જગ્યાએ જનતા રેડ પાડીને મુદ્દામાલ પોલીસને સોંપ્યો હતો, જ્યારે ગાંધીધામમાં કરેલી આ જનતા રેડ પહેલા આ વિસ્તારમાં ચાલતા દારૂના ૨૫ અડ્ડાઓની યાદી પોલીસને અગાઉથી આપવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આખરે આ જનતા રેડ કરવી પડી હતી.
ગઢવીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે જનતાએ પોતે જ ‘જનતા રેડ’ કરી હતી, ત્યારે ‘આપ’ના નેતાઓને રાત્રે નાઈટ ડ્રેસમાં જ ઘરમાંથી ઉઠાવી લઈ જઈ ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર બુટલેગરોને બચાવવા માટે પોલીસ અને ભાજપ સરકારની મિલીભગતથી આ આખું ષડયંત્ર રચાયું છે, જે લોકશાહી માટે શરમજનક છે. ત્યારે હાલ આ મુદ્દે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.