દામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરની રાહમાં છ વર્ષથી લબડતા અનેક જરૂરિયાતમંદ પરિવારોને વર્ષ ૨૦૧૯થી ટલ્લે ચડાવી દેવાયા છે. ફેજ ૧ અને ફેજ ૨માં ૨૫૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયા પણ વર્ષ ૨૦૧૯થી આવાસની એકપણ દરખાસ્તમાં અભિપ્રાય ન આપી ટટળાવતા તંત્રે છ વર્ષ પહેલાં ઇનવર્ડ કરેલ દરખાસ્તમાં આવકના નવા દાખલા જોડવા લાભાર્થીઓને દરખાસ્ત પરત કરાઇ હતી. નવા દાખલા મેળવ્યા બાદ લાભાર્થીઓ પાસે દરખાસ્ત ઓનલાઈન કરવા ફરજ પડાઇ હતી. અંતે ૫૦ જેટલી દરખાસ્તો નામંજૂર થઇ હતી. ભાઇઓ ભાગની સંમતિ, વારસાઈ કે દસ્તાવેજવાળી દરખાસ્તો નામંજૂર કરતા ભારે મુંઝવણમાં મુકાયેલ ગરીબ પરિવારો નાસીપાસ થયા છે. ઘણો ખર્ચ થયા બાદ પણ ઘરનું ઘર મળવાની શક્યતા નહિવત બની છે.







































