દામનગરમાં શાકભાજીની લારી આડી રાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લુહાર શેરીના નાકે દુકાન ધરાવતા વેપારીએ લારી હટાવવાનું કહેતા બે શખ્સોએ ઉશ્કેરાઈને વેપારી પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બનાવ સંદર્ભે વેપારી રાજેશભાઇ મનજીભાઇ મોટાણી (ઉ.વ.૫૩) એ ) ઇરફાનભાઇ અબુભાઇ ઘાંચી તથા તેના ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ દામનગર ટાઉનમાં આવેલી લુહાર શેરીના નાકે પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન આરોપીઓએ તેમની દુકાનની બિલકુલ સામે શાકભાજીની લારી આડી ઊભી રાખીને વેચાણ શરૂ કર્યું હતું. દુકાન નડતરરૂપ થતી હોવાથી તેમણે નમ્રતાથી લારી સાઈડમાં લેવા જણાવ્યું હતું. લારી ખસેડવાનું કહેતા જ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારીને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. મામલો ઉગ્ર બનતા બંને પક્ષે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપી ઈરફાનભાઈ ઘાંચીએ પોતાની શાકભાજીની લારીમાંથી છરી કાઢી તેના પર હુમલો કરી દીધો હતો. હુમલામાં તેમનેને બંને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.