અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. દાતરડી ગામે નેશનલ હાઇવે બાયપાસ ઉપર નેસડી-૦૧ તરફ જતા રસ્તા પર અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. બનાવ અંગે દાતરડી ગામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં ભાવેશભાઈ ખીમાભાઈ કવાડે બોલેરો નંબર જીજે-૦૫-બીએક્સ-૬૯૬૫ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ખીમાભાઈ મૂળુભાઈ કવાડ (ઉં.વ. અંદાજે ૭૦) અને તેમના મિત્ર ભાવેશભાઈ કવાડ મોટરસાયકલ પર છતડીયાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દાતરડી ગામ નજીક નેશનલ હાઇવે પરના બાયપાસ પર આવેલા વળાંક પાસે પહોંચતા બોલેરો પીકઅપ નં. GJ 05 BX 6965 સાથે ટકરાયું હતું. આ બોલેરોનો પાછળનો ભાગ (વાડ) ખુલ્લો હતો. આ બોલેરો બેદરકારીપૂર્વક રસ્તા પર ઊભેલી હતી. તેની પાછળ કોઈ પ્રકારની નિશાની કે રિફ્‌લેક્ટર મૂકવામાં આવ્યા નહોતા. બોલેરોની પાર્કિંગ લાઇટો પણ બંધ હતી. અચાનક મોટરસાયકલ આ ખુલ્લી વાડ સાથે જોરદાર ટકરાયું હતું. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ભાવેશભાઈના મિત્ર પિયુષભાઈ કવાડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ભાવેશભાઈના પિતા ખીમાભાઈને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે રાજુલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે ભાવેશભાઈ કવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોત નિપજાવવાનો ગુનો નોંધીને તેને ઝડપવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.