“અરે વાહ! લાગે છે ખેતરમાં એક મોટો લાલ દાણો પડ્યો છે. આજે તો મને બહુ જલદી જલદી દાણો જડી ગયો. લાવ ત્યારે દાણો લઉં ને પાછી માળામાં જાઉં.” – એમ વિચારતાં ચકુ ચકલી સરરર કરતી નીચે ખેતરમાં ઊતરી. ચકુ બહુ જ નટખટ અને કામગરી હતી. આખો દિવસ એ ચીં… ચીં… ચીં… કરતી ફરતી રહે ને ખોરાક શોધતી રહે.
એક દિવસ સવાર સવારમાં ચકુ દાણાની શોધમાં નીકળી. ઊડતાં ઊડતાં એની નજર ખેતરમાં પડેલા એક સરસ મજાના લાલ દાણા પર પડી. દાણો જોતાં જ ચકુની આંખો ચમકી. આટલો સુંદર દાણો તેણે ક્યારેય જોયો નહોતો. તે તરત જ નીચે ઊતરી અને દાણાને ચાંચમાં લેવા પ્રયત્ન કરવા લાગી.
પણ દાણો જરા મોટો અને ભારે હતો એટલે ચકુની ચાંચમાં આવતો નહોતો. ચકુએ દાણાને પકડવા ઘણા પ્રયત્નો કર્યા, પણ દાણો જરાય હલ્યો નહીં. ચકુએ દાણાને એક બાજુથી ધક્કો લગાવ્યો, બીજી બાજુથી લગાવ્યો, પણ દાણો ન હલ્યો તે ન જ હલ્યો. ચકુ થાકીને એક બાજુમાં બેસી ગઈ અને વિચારવા લાગી, ‘અરે આ દાણો તો હલતોય નથી. દાણો તો જબરો ભારે હોં! હવે હું શું કરું તો આ દાણો મને મળે!’
એવામાં કીટ્ટુ કીડી ત્યાંથી પસાર થઈ. કીડીએ ચકુને ઉદાસ જોઈને પૂછ્યું, “ચકુબેન ચકુબેન, તમે કેમ આમ ઉદાસ છો?”
ચકુએ કહ્યું, “જો ને આ લાલ દાણો! મને મળી તો ગયો, પણ મારાથી હલતોય નથી કે ઊંચકાતો નથી. મને ખુબ ભૂખ લાગી છે. મારે માળામાં જઈને મારા બચ્ચાંને પણ ખવડાવવાનું છે. પણ આ દાણો મારી ચાંચમાં જ નથી આવતો.”
કીટ્ટુએ હસીને કહ્યું, “બસ, આટલી જ વાત? અરે ચકુબેન તમે જરાય ચિંતા ન કરશો. ચાલો હું તમને થોડી મદદ કરું. આપણે બંને ભેગા મળીને પ્રયત્ન કરીએ.”
કીટ્ટુની વાત સાંભળી ચકુ રાજીરાજી થઈ ગઈ. એણે તરત કહ્યું, “ચાલો ત્યારે, આપણે દાણાને જોરથી ધક્કો લગાવીએ.”
કીટ્ટુએ કહ્યું, “હા હા! કેમ નહીં! તમે એક બાજુથી દાણાને ચાંચથી પકડો અને હું બીજી બાજુથી ધક્કો મારું છું.”
બંનેએ સાથે મળીને દાણાને ધક્કો મારવાનું શરૂ કર્યું. ચકુએ ચાંચથી દાણાને પકડ્યો અને કીડીએ પાછળથી દાણાને ધકેલ્યો. બંનેના પ્રયત્નો સફળ રહ્યા. ધીરે ધીરે દાણો હલ્યો અને ગબડયો. થોડી જ વારમાં દાણો ખેતરની બહાર આવી ગયો. ચકુ રાજીરાજી થઈ ગઈ. એને થયું, ‘હાશ! હવે મને ને મારાં બચ્ચાંને ખાવાનું મળશે ખરું!’
ચકુએ કીટ્ટુનો આભાર માન્યો અને તે ચાંચમાં દાણો લઈને ઊડી ગઈ.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭









































