બનાસકાંઠાના દાંતા તાલુકામાં કૂવે પાણી ભરવા ગયેલા ૮ વર્ષના માસૂમ બાળકનું અકસ્માતે ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. શાળામાં અભ્યાસ કરતા રાહુલ દિનેશભાઈ ખોખરીયા નામના આ બાળકની રમત-ગમતની ઉંમરે અકાળે વિદાય થતાં, પરિવાર અને સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ અંબાજી ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દાંતા તાલુકામાં રહેતો ૮ વર્ષીય રાહુલ દિનેશભાઈ ખોખરીયા કૂવે પાણી ભરવા માટે ગયો હતો. પાણી ભરતી વખતે અચાનક પગ લપસતા માસૂમ બાળક ઊંડા કૂવામાં ખાબક્્યો હતો. કૂવામાં પાણીનું સ્તર વધુ હોવાને કારણે બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે પોલીસ, ૧૦૮ની ટીમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
અંબાજીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ કૂવાના ઊંડા પાણીમાંથી બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતક રાહુલ માત્ર ૮ વર્ષનો હતો અને તે શાળામાં અભ્યાસ કરતો હતો. ભણવાની અને રમવાની ઉંમરે જ બાળકે જીવ ગુમાવતા માતા-પિતા સહિત પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ અકસ્માતને પગલે ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.