દક્ષિણ કોરિયામાં મંગળવારે મોડી રાત્રે વિપક્ષી ઉમેદવાર લી જે-મ્યુંગ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. આ વિજય દેશમાં મહિનાઓથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલનો અંત લાવશે, જે હવે હાંકી કાઢવામાં આવેલા રૂઢિચુસ્ત નેતા યૂન સુક યેઓલના ‘માર્શલ લો’ લાદવાના આશ્ચર્યજનક નિર્ણયથી શરૂ થયો હતો. લીની ચૂંટણી દક્ષિણ કોરિયાની વિદેશ નીતિમાં કોઈ મોટા અને તાત્કાલિક ફેરફારો લાવશે કે કેમ તે સ્પષ્ટ નથી.
લી પર અગાઉ ટીકાકારો દ્વારા ચીન અને ઉત્તર કોરિયા તરફ ઝુકાવ રાખવાનો અને અમેરિકા અને જાપાનથી દૂર રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. લીએ વારંવાર ભાર મૂક્યો છે કે દક્ષિણ કોરિયાનું અમેરિકા સાથેનું જાડાણ તેની વિદેશ નીતિનો આધાર છે. દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ સામે સૌથી મુશ્કેલ બાહ્ય પડકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કર નીતિ અને ઉત્તર કોરિયાનો વધતો પરમાણુ કાર્યક્રમ છે. જાકે, નિષ્ણાતો કહે છે કે જે કોઈ રાષ્ટ્રપતિ બનશે તે આ મુદ્દાઓ પર દક્ષિણ કોરિયાના પક્ષમાં મોટી પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે ઘણું કરી શકશે નહીં.
સ્થાનિક સમય મુજબ સવારે ૨:૪૦ વાગ્યા સુધીમાં, લગભગ ૯૫ ટકા મતોની ગણતરી થઈ ગઈ હતી. આ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી ૪૮.૮૬ ટકા મતો સાથે આગળ હતા. મુખ્ય રૂઢિચુસ્ત ઉમેદવાર કિમ મૂન સૂને ૪૧.૯૮ ટકા મત મળ્યા. લીની જીતની ઔપચારિક જાહેરાત પહેલાં જ, કિમે પોતાની હાર સ્વીકારી લીધી હતી અને પત્રકારોને કહ્યું હતું કે તેઓ “લોકોની પસંદગીને નમ્રતાથી સ્વીકારે છે.” કિમે લીને પણ અભિનંદન આપ્યા હતા.
અગાઉ, લી સિઓલના રસ્તાઓ પર હજારો સમર્થકોની સામે દેખાયા હતા. તેમણે ઔપચારિક રીતે વિજયનો દાવો કર્યો ન હતો, પરંતુ તેમના મુખ્ય નીતિગત લક્ષ્યોનો પુનરાવર્તિત કર્યો હતો જેમ કે અર્થતંત્રને પાટા પર પાછું લાવવું, ઉત્તર કોરિયા સાથે શાંતિને પ્રોત્સાહન આપવું. તેમણે કહ્યું, “આપણે આશા સાથે આગળ વધવું જાઈએ અને આ ક્ષણથી નવી શરૂઆત કરવી જોઈએ.” વિજેતા ઉમેદવાર બુધવારે તાત્કાલિક રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
લી જે-મ્યાંગનું જીવન ગરીબીથી અમીરીમાં આગળ વધવાની પ્રેરણાદાયી વાર્તા રહી છે. તેઓ એક સમયે એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા, પછી માનવ અધિકાર વકીલ બન્યા અને હવે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ૧૯૬૩ માં ગ્યોંગબુક પ્રાંતના એન્ડોંગના એક દૂરના પર્વતીય ગામમાં જન્મેલા લી એક ગરીબ પરિવારના છે. લીને ૨૦૨૨ ની ચૂંટણીમાં ખૂબ જ ઓછા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેમની પાર્ટી ત્રીજા નંબરે હતી.લી પહેલા માનવ અધિકાર વકીલ હતા, જાકે પછીથી રાજકારણી બન્યા. મ્યાંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સામે મહાભિયોગમાં મોટી ભૂમિકા ભજવી છે અને તેથી જ તેમને પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.