રોમેન્ટીક ડ્રામા ફિલ્મ ‘કધલ કધાઈ’ માટે પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર અને અભિનેતા વેલુ પ્રભાકરનનું શુક્રવાર, ૧૮ જુલાઈના રોજ સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેમણે ૬૮ વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેમના સંબંધીઓએ પુષ્ટિ આપી છે કે તેમનું લાંબી બીમારીને કારણે અવસાન થયું. ફિલ્મ નિર્માતા છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ નાજુક હાલતમાં હતા અને આ કારણે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેલુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ‘નાલયા મણિથન’, ‘સિવન’ અને ‘પુથિયા આચી’ જેવી શાનદાર ફિલ્મો માટે પ્રખ્યાત હતા.
વેલુ પ્રભાકરનનો મૃતદેહ રવિવાર બપોર, ૨૦ જુલાઈ સુધી ચેન્નાઈના વલસારવક્કમ ખાતે જાહેર શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. આ સમાચાર આવ્યા ત્યારથી, ફિલ્મ ઉદ્યોગ વેલુ પ્રભાકરનના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાએ અગાઉ અભિનેત્રી-દિગ્દર્શક જયાદેવી સાથે લગ્ન કર્યા હતા. ઘણા વર્ષોના છૂટાછેડા પછી, તેમણે ૬૦ વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. ૨૦૧૭ માં, તેમણે અભિનેત્રી શર્લી દાસ સાથે લગ્ન કર્યા, જેમણે તેમની ૨૦૦૯ ની ફિલ્મ ‘કધલ કધાઈ’ માં અભિનય કર્યો હતો.
વેલુએ સિનેમેટોગ્રાફર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૯ માં, તેમણે ફિલ્મ ‘નાલય મણિથન’ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, તેમણે તેની સિક્વલ ‘અધિસય મણિથન’નું દિગ્દર્શન કર્યું. ‘અસુરન’ અને ‘રાજલી’ જેવી સતત બે ફ્લોપ ફિલ્મો પછી, વેલુએ ૯૦ ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં એક્શન ફિલ્મોનું દિગ્દર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ૨૦૦૪ માં, તેમણે ‘કધલ અરંગમ‘ નામની ફિલ્મ પર કામ શરૂ કર્યું, જેમાં નવોદિત પ્રીતિ રંગાયણી અને શર્લી દાસ મુખ્ય ભૂમિકામાં હતા. ૨૦૧૭ માં, તેમણે તેમની છેલ્લી દિગ્દર્શક ફિલ્મ ‘ઓરુ ઇયક્કુનારિન કધલ ડાયરી’નું દિગ્દર્શન કર્યું. ૨૦૧૯ થી, વેલુ પ્રભાકરન અભિનયમાં પોતાનો હાથ અજમાવી રહ્યા હતા. તેઓ ‘ગેંગ્સ ઓફ મદ્રાસ’, ‘કેડેવર’, ‘પિઝા ૩ઃ ધ મમી’, ‘રેડ’, ‘વેપન’ અને ‘અપ્પુ ફૈં જી્ડ્ઢ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ગજાનન’ હતી જે ૨૦૨૫ માં રિલીઝ થઈ હતી.