માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે અને તે પછીના દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. મુખ્યત્વે ત્રણ આકાશી સિસ્ટમના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદની ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, આવતીકાલે રાજ્યના ઘણા ખરા ભાગોમાં વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ગુજરાતને લઇને ત્રણ  વેધ સિસ્ટમ છે. જેમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્‌યુલેશન છે. બીજુ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્‌યુલેશન છે. ત્રીજું, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સ્થિત છે. જેની સાથે એક ટ્રફ પણ છે. જેની લીધે ૧થી ૪ તારીખ સુધી અમુક સ્થળોએ હળવા વરસાદની સાથે આંધી અને વીજળી પડવાની સંભાવના રહેશે. સાથે જ પવનની ગતિ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે.
૨ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
૪ એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.