સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને નિર્દેશ આપ્યો છે કે તેલંગાણામાં પક્ષપલટા કરનારા ભારત રાષ્ટ્ર સમિતિ ધારાસભ્યોની ગેરલાયકાત પર ઝડપી નિર્ણય લે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ નિર્ણય ત્રણ મહિનાની અંદર લેવો જાઈએ, નહીં તો લોકશાહીને નુકસાન થઈ શકે છે. કોંગ્રેસમાં જાડાયેલા ૧૦ બીઆરએસ ધારાસભ્યો સામે ગેરલાયકાત અરજીઓ પર સાત મહિના પછી પણ કોઈ નિર્ણય ન આવતા કોર્ટનો આ આદેશ આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે જા સ્પીકર સમયસર કાર્યવાહી નહીં કરે તો તે ‘ઓપરેશન સફળ, દર્દી મૃત્યુ પામ્યો’ જેવી પરિસ્થિતિ બનશે. કોર્ટે કહ્યું કે આ મામલો ૧૦મી અનુસૂચિ સાથે સંબંધિત છે, જેમાં સ્પીકરે પક્ષપલટાની સ્થિતિમાં ઝડપી નિર્ણય લેવો પડશે. કોર્ટે સ્પીકરને કહ્યું કે ધારાસભ્યોને પ્રક્રિયામાં વિલંબ ન થવા દો અને જા આવું થાય તો તેમની સામે પ્રતિકૂળ નિષ્કર્ષ કાઢી શકાય છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રાજકીય પક્ષપલટા દેશની લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે. જા તેને રોકવામાં નહીં આવે તો તે સમગ્ર વ્યવસ્થાને અસ્થિર કરી શકે છે. કોર્ટે સંસદને એ પણ વિચારણા કરવા વિનંતી કરી કે શું સ્પીકરની પક્ષપલટાના કેસોમાં નિર્ણય લેવાની વર્તમાન પદ્ધતિ યોગ્ય છે કે તેને બદલવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશને પણ રદ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્પીકરે ‘યોગ્ય સમયમાં’ નિર્ણય લેવો જાઈએ. કોર્ટે સ્વીકાર્યું કે અગાઉના આદેશોએ ફક્ત કાર્યવાહીમાં વિલંબ કર્યો છે, જ્યારે બંધારણનો હેતુ તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે સ્પીકરે સાત મહિના સુધી ગેરલાયકાત અરજીઓ પર કોઈ નોટિસ પણ જારી કરી નથી. કોર્ટે કહ્યું કે જ્યારે આવી અરજીઓ પર આટલો વિલંબ થાય છે, ત્યારે તે લોકશાહીને નબળી પાડે છે. કોર્ટમાં અરજી દાખલ થયા પછી જ નોટિસ જારી કરવી એ ન્યાયિક પ્રક્રિયાનું અપમાન છે.
બીઆરએસ વતી અરજદારોમાં પદી કૌશિક રેડ્ડી અને અન્ય ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ અરજીઓ એવા ધારાસભ્યો વિરુદ્ધ હતી જેઓ બીઆરએસ ટિકિટ પર જીત્યા પછી કોંગ્રેસમાં ગયા હતા. તેમાંના મુખ્ય નામો દાનમ નાગેન્દર, વેંકટ રાવ ટેલ્લમ અને કાદિયમ શ્રીહરિ છે. હાઈકોર્ટે અગાઉ આ કેસોમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની વિધાનસભામાં ટિપ્પણી પર પણ નારાજગી વ્યક્ત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પેટાચૂંટણીઓ નહીં થાય. કોર્ટે કહ્યું કે એક જવાબદાર નેતાએ આવી ટિપ્પણીઓ ટાળવી જાઈએ. કોર્ટે એ પણ પુનરોચ્ચાર કર્યો કે સુપ્રીમ કોર્ટ ગેરલાયકાતના કેસોમાં પોતાની જાતે નિર્ણય લઈ શકતી નથી પરંતુ સ્પીકરની ભૂમિકા ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે.