મધ્ય ગીરમાં આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સવારે ૧૦ વાગ્યે ભગવાન શ્યામની મુખ્ય મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરીને મુખ્ય મંદિરથી ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. ઢોલ-નગારા, શરણાઈ અને અબીલ-ગુલાલના રંગો વચ્ચે વિશાળ સંખ્યામાં ભક્તો “સોને કી છડી, રૂપે કી મશાલ, જરીએલ કા જામા, મોતી કી માલ” અને “રાજાધિરાજ, ખમ્મા ઘણી”ના નારા લગાવતા ગરમ કુંડ તરફ આગળ વધ્યા હતા. આ નારાઓથી પહાડો પણ ગૂંજી ઉઠ્‌યા હતા. પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે યમુના નદીમાં નૌકા વિહાર કર્યો હતો. આ પરંપરાને જીવંત રાખવા માટે જળઝીલણી એકાદશીના દિવસે તુલસીશ્યામ મંદિરમાં આ ભવ્ય ઉત્સવનું આયોજન થાય છે. યાત્રા બાદ ગરમ કુંડમાં ભગવાન શ્યામને નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, ધામધૂમપૂર્વક પાલખીયાત્રા પરત મંદિર પહોંચી અને ભગવાનને ફરી સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.