વંડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરજ બજાવતા પોલીસકર્મી પર એક શખ્સે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસ મથકે પહોંચેલા શખ્સે જૂની અદાવત રાખી ફરજ પરના પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે વંડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જયરાજસિંહ રણજીતસિંહ રાઠોડે પીયાવા ગામના સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી પોલીસકર્મી પોતાની કાયદેસરની ફરજ પર હાજર હતા, ત્યારે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને ‘મારે તમારી સાથે વાત કરવી છે’ તેમ કહી વાતચીત શરૂ કરી હતી. વાતચીત દરમિયાન આરોપીની શારીરિક હિલચાલ પરથી તે નશાની હાલતમાં હોવાનું જણાતા પોલીસકર્મીએ તેની તપાસ (ચકાસણી) શરૂ કરી હતી. પોલીસકર્મી તપાસ કરતા હોવાથી આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. આરોપીએ જૂની અદાવત કાઢતા કહ્યું હતું કે, તું જ્યારે બીટમાં હતો ત્યારે તેં મારા પર ખોટો કેસ કરાવ્યો હતો. આમ કહી આરોપીએ ફરિયાદી પોલીસકર્મી સાથે મારામારી કરી હતી. ઝપાઝપી બાદ આરોપીએ ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું હતું કે, ‘તું હવે રોડ પર ગાડી લઈને નીકળજે, હું તને જીવતો નહીં રહેવા દઉં.’ પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી અપાતા ચકચાર મચી ગઈ હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચિનભાઈ મનુભાઈ વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.







































